વઢવાણઃ ઝાલાવાડના હદય સમાન વઢવાણ શહેરની ૧૦૧ વર્ષ જુની ઐતિહાસિક શાળા એટલે લાડકીબાઈ કન્યાશાળા.
આ શાળાની વરસો જૂની વિરાસત અને ઈમારતને અકબંધ રાખીને એના નવનિર્માણનું કામ જોરશોરથી ચાલી રહ્યું છે.
આ શાળાના નવનિર્મિત પ્રાર્થનાખંડનું આજે ઝાલાવાડના ઋષિતૂલ્ય તબીબ ડો. પી.સી.શાહના વરદહસ્તે લોકાર્પણ થયું હતું.
આ પ્રાર્થનાખંડના નવનિર્માણ માટે પાંચ લાખ રુપિયાનું અનુદાન આપનાર હાસ્યકલાકાર, લેખક, કવિ અને ચિંતક ડો. જગદીશ ત્રિવેદી અને શ્રીમતી નીતા જગદીશ ત્રિવેદી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે કવિ, લેખક, નાટ્યવિદ જશવંત મહેતા, લોકપ્રિય વકીલ આર.કે.દવે, સેવાભાવી મહિલા અને નિવૃત આચાર્યા કલ્પનાબહેન ત્રિવેદી, અર્ચના સ્કુલના પ્રિન્સીપાલ સોનલબહેન દવે , જાણીતા પત્રકાર અને સમાજસેવક દશરથસિંહ જેઠુભા અસવાર, તેમજ લાડકીબાઈ કન્યાશાળાનો સ્ટાફ વગેરે ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
આ શાળા ટૂંક સમયમાં સંપૂર્ણ રીતે નવનિર્માણ પામીને વિદ્યાર્થીનીઓના કલરવથી ગૂંજી ઉઠશે એવી શાળાનાં સ્ટાફની અપેક્ષા છે અને દાતાઓના સહયોગથી અપેક્ષા જરુર પુરી થશે એમાં સંદેહ નથી.