દ. ગુજરાતમાં PM મોદીને હસ્તે રૂ. 2100 કરોડનાં ખાતમુહૂર્ત, લોકાર્પણ

વ્યારાઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી મોદી કેવડિયા ખાતે મિશન લાઇફનો પ્રારંભ કરાવ્યા બાદ દક્ષિણ ગુજરાતમાં રૂ. 2100 કરોડના વિકાસકાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. તેમણે તાપી જિલ્લાના વ્યારામાં વિવિધ વિકાસ કાર્યોનો શિલાન્યાસ ક્યો હતો, ત્યાર બાદ તેમણે સોનગઢના ગુણસદા ગામે મોટી સભાને સંબોધી હતી.

તેમણે જણાવ્યું હતું કે અમારી પાર્ટી આદિવાસીઓના વિકાસ કાર્ય માટે સતત સક્રિય રહી છે. વળી, મને જે સૌભાગ્ય મળ્યું છે એ આદિવાસી માતા અને બહેનોએ આપ્યું છે. મને સતત 20 વર્ષ સુધી મને એકધારો આદિવાસીઓનો પ્રેમ મળ્યો છે. હવે જે મુસીબતો તમને પડી તેવી તમારાં બાળકોને નહીં પડે. અહીંના મંગુભાઈએ આદિવાસી સમાજના લોકો માટે અનેક કાર્યો કર્યાં છે. અહીં હવે ઉકાઈ યોજનાનો લાભ આદિવાસીઓને મળે છે. તેમણે જણાવ્યું હતું કે આદિવાસીએ ઉગાડેલા કાજુ તો ગોવાને ટક્કર મારે એવી છે.

તેમણે કહ્યું હતું કે અમે આદિવાસી સમાજનાં બાળકોને ગંભીર બીમારીઓમાંથી બહાર લાવ્યા છીએ, આયુષ્માન કાર્ડ થકી તેમને રૂ. પાંચ લાખની સહાયથી સારવાર શક્ય બનાવી છે. ગર્ભવતી મહિલાઓને સારો પૌષ્ટિક ખોરાક મળે એવા પ્રયાસ કર્યા છે. આ ઉપરાંત તેમણે કોંગ્રેસને આડે હાથ લીધી હતી. તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસ ફક્ત જૂઠા વચનો આપે છે. કોંગ્રેસના નેતાઓ આદિવાસી સમાજની ઠેકડી ઉડાડે છે. કોંગ્રેસે આદિવાસીઓએ બનાવેલી વસ્તુઓનું મૂલ્ય નહોતી સમજતી, પણ અમારો પ્રયાસ આદિવાસીઓને વધુમાં વધુ સુવિધા આપવાનો છે. આ સાથે તાપી અને નર્મદા જિલ્લામાં રૂ. 300 કરોડથી વધુના પાણી પુરવઠા પ્રોજેક્ટનો પણ વડાપ્રધાને શિલાન્યાસ કર્યો હતો.