અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાઈરસ રોગચાળાની બીજી લહેર શરૂ થઈ ગઈ છે, જેથી રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો નોંધાયો છે. રાજ્ય સરકારે અમદાવાદમાં રાત્રી કરફ્યુ લાદ્યો હોવા છતાં પણ હજી અમદાવાદીઓ બેદરકારી દાખવી રહ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાહેરમાં માસ્ક વગર ફરતા લોકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે. કોર્પોરેશને 256 લોકોના ટેસ્ટ કર્યા હતા, જેમાંથી નવ લોકો પોઝિટિવ નીકળ્યા હતા. આ નવ જણને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યારે અન્ય 3ને હોમ આઇસોલેટ કરવામાં આવ્યા છે. અન્ય લોકો પાસેથી એક-એક હજાર રૂપિયા દંડ તરીકે વસૂલવામાં આવ્યા હતા.
માસ્ક વગર ફરનારને કરાશે કોરોના ટેસ્ટ અને રૂ. 1000નો દંડ
શહેરમાં કોરોનાનો કેર વધી રહ્યો હોવાને કારણે લોકો ભયભીત થયા છે. મહાનગરપાલિકા પણ મોટા પ્રમાણમાં લોકોના ટેસ્ટ કરી રહી છે. શહેરના પૂર્વ-પશ્ચિમમાં મોટા ભાગના વિસ્તારોમાં વહેલી સવારથી લોકો કોરોના ટેસ્ટ કરાવવા માટે લાઈનમાં ઊભેલા જોવા મળ્યા હતા. શહેરમાં માસ્ક વગર ફરતા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. માસ્ક વગર ફરતા લોકોનો કોરોના ટેસ્ટ કરાઈ રહ્યો છે અને જો ટેસ્ટ પોઝિટિવ આવે તો સીધા હોસ્પિટલમાં મોકલી દેવાય છે અને નેગેટિવ આવે તો રૂ. 1 હજારનો દંડ ફટકારવામાં આવી રહ્યો છે.
અમદાવાદમાં કરફ્યુ નિયમોના ભંગ બદલ પોલીસે 683 લોકોની ધરપકડ કરી છે, જેમા 637 લોકો સામે અમદાવાદ પોલીસે ગુનો નોંધ્યો છે. આ ઉપરાંત પોલીસે જપ્ત કરેલાં વાહનોના ચાલકો પાસેથી રૂ. 64 હજારનો દંડ વસૂલ્યો છે. અમદાવાદ પોલીસે નવ મહિનામાં માસ્ક ન પહેરનારાઓ પાસેથી રૂ. 13.40 કરોડનો દંડ વસૂલ્યો છે. અમદાવાદમાં 2,68,238 બેદરકાર લોકોને દંડ ફટકારાયો છે. અમદાવાદમાં દરરોજ આશરે 1500થી વધુ લોકો માસ્ક વગર દંડાય છે.
અમદાવાદમાં 127 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન
હાલમાં શહેરમાં 127 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન અમલમાં છે. જેમાં નવા ઉમેરાયેલા સાઉથ ઝોનના 10, સેન્ટ્રલ ઝોનના 1, સાઉથ વેસ્ટ ઝોનના 3, ઇસ્ટ ઝોનના 3, વેસ્ટ ઝોનના 1, નોર્થ વેસ્ટ ઝોનના 4 વિસ્તારને માઇક્રો કન્ટેનમેન્ટમાં મૂકવામાં આવ્યા છે.
ચાર મહાનગરોમાંથી 33 કરોડનો દંડ વસૂલાયો
કોરોના કાળમાં પોતાની અને તેમના પરિવારની ચિંતા કર્યા વગર રાજ્યમાં હજારો પોલીસકર્મીઓ રસ્તાઓ પર લોકોને કોરોનાના નિયમો પાળવાનું સમજાવે છે. આજથી ચારેય મહાનગરોમાં કડક રીતે મિશન માસ્ક શરૂ થયું છે. ચોંકાવનારી બાબત એ છે કે, અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં જ 33 કરોડ રૂપિયા દંડ ચૂકવ્યા પછી પણ લોકો કોરોના નિયમ પાલન કરવામાં બેદરકારી દાખવી રહ્યા છે.