અમદાવાદઃ કોરોના રોગચાળામાં છેલ્લા આઠ મહિનામાં રાજ્યમાં 1585 રજિસ્ટર્ડ કંપનીઓને તાળાં લાગી ગયાં છે. કોરોના રોગચાળામાં કંપનીઓ બંધ હોવાને મામલે ગુજરાત છઠ્ઠા ક્રમાંકે છે. પહેલી એપ્રિલ, 2021થી 29 નવેમ્બર, 2021 સુધી આઠ મહિનામાં આ આંકડો છે. કેન્દ્રના વેપાર મંત્રાલયના તાજા અહેવાલમાં આ જણાવવામાં આવ્યું છે.
કોરોના કાળમાં વર્ષ 2020-21માં રાજ્યમાં 353 કંપનીઓ બંધ થઈ હતી, પણ છેલ્લા આઠ મહિનામાં રાજ્યમાં 1585 કંપનીઓને તાળાં લાગ્યા છે. આ પહેલાં વર્ષ 2019-20માં 1245 કંપનીઓને તાળાં લાગ્યાં હતાં. આ પહેલાં વર્ષ 2018-19માં 13, 2017-18માં અને 2016-17માં 909 કંપનીઓ બંધ થઈ હતી. રાજ્યમાં આશરે છેલ્લાં છ વર્ષમાં 16,708 કંપનીઓ બંધ થઈ હતી. આ કંપનીઓને તાળાં લાગતાં કેટલાય લોકો બેરોજગાર બન્યા હતા.
સરકારી અહેવાલ મુજબ રાજ્યમાં વર્ષ 2020-21માં નવી 8188 કંપનીઓ રજિસ્ટર્ડ થઈ હતી. એ પહેલાં વર્ષ 2019-20માં 5780 નવી કંપનીઓ નોંધાઈ હતી.
દેશમાં છેલ્લા એક વર્ષમાં કંપનીઓને તાળાં વાગ્યાં હતા, એમાં મહારાષ્ટ્રમાં 5390, પશ્ચિમ બંગાળમાં 4230, દિલ્હીમાં 2054, તામિલનાડુમાં 1684, કર્ણાટકમાં 1593, ગુજરાતમાં 1585, તેલંગાણામાં 1498 અને ઉત્તર પ્રદેશમાં 990 કંપનીઓને તાળાં વાગ્યાં હતાં.