ગુજરાત સમુદ્રકાંઠે વાવાઝોડું ફૂંકાવાની આગાહી

અમદાવાદઃ ભારતીય હવામાન વિભાગે આગાહી કરી છે કે ગુજરાતના સમુદ્રકાંઠે વાવાઝોડું ફૂંકાઈ શકે છે. તેણે માછીમારોને ચેતવણી આપી છે કે તેમણે 2 ઓક્ટોબર સુધી દરિયો ખેડવા જવું નહીં. તે ઉપરાંત જે માછીમારો માછીમારી માટે દરિયામાં દૂર સુધી ગયા છે એમને તાબડતોબ કાંઠે પાછા ફરવા પણ ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા લાઉડસ્પીકર દ્વારા જણાવવામાં આવી રહ્યું છે. ‘વાવાઝોડું ગુલાબ’ નબળું પડી ગયું છે મધ્ય ભારત પરથી પસાર થઈને ગુજરાત પર સ્થિર થયું છે. એ અરબી સમુદ્ર તરફ જશે અને આગામી 48 કલાકમાં એ ‘વાવાઝોડા શાહીન’ તરીકે ફરી આકાર પામશે. જોકે ‘શાહીન વાવાઝોડા’નો ખતરો ભારત કરતાં પાકિસ્તાન, ઈરાન અને ઓમાન પર વધારે છે.

ગુજરાત રાજ્યમાં ભારે વરસાદની સંભાવનાને કારણે સમગ્ર તંત્ર સતર્ક છે. જુદા જુદા જિલ્લાઓમાં એનડીઆરએફ અને એસડીઆરએફની 17 જેટલી ટૂકડીઓને બચાવ કામગીરી માટે તૈનાત કરવામાં આવી છે.

‘વાવાઝોડા ગુલાબ’ની અસર રૂપે દક્ષિણ ગુજરાતમાં ગઈ કાલ રાતથી શરૂ થયેલો ભારે વરસાદ આજે પણ ચાલુ રહ્યો છે. વલસાડ અને ભરૂચમાં 7 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. ભરૂચમાં ઠેરઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. અનેક મકાનોમાં પાણી ઘૂસ્યા છે. અનેક દુકાનો અને ઘર ડૂબાણ હેઠળ આવી ગયા છે. અસંખ્ય વાહનો પાણીમાં તણાઈ જતા જોવા મળ્યા છે. જામનગરના 4 ડેમ ઓવરફ્લો થતાં નીચાણવાળા ગામોને સાવધ રહેવાની ચેતવણી આપવામાં આવી છે. ડાંગ પંથકમાં પણ અનરાધાર વરસાદ પડ્યો છે. ગિરિમથક સાપુતારામાં 10 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે. ડાંગ જિલ્લાના 22 જેટલા માર્ગોને વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે.