IITGNનું ધોરણ 10-12ના વિદ્યાર્થીઓ માટે ‘G20-Ignite’નું આયોજન

ગાંધીનગરઃ ઇજનેરો, વૈજ્ઞાનિકો અને સંશોધકોની આગામી પેઢીમાં વિજ્ઞાન અને ટેક્નોલોજીના વિવિધ આયામો પ્રત્યે જિજ્ઞાસા અને ઉત્સાહ જગાડવાના ઉદ્દેશ સાથે ભારતીય પ્રૌદ્યોગિકી સંસ્થાન ગાંધીનગર (IITGN) 15 એપ્રિલ, 2023એ ‘G20-Ignite’નું આયોજન કરવા જઈ રહ્યું છે, જે ધોરણ 10થી 12ના શાળાના વિદ્યાર્થીઓ અને તાજેતરમાં ધોરણ 12 પાસ કરેલા વિદ્યાર્થીઓ માટે વિશેષરૂપે ડિઝાઇન કરાયેલો વિજ્ઞાન અને ટેક્નોલોજી મેળો છે.

દિવસભર ચાલનારા મેળાને રોમાંચક પ્રવૃત્તિઓ, હેન્ડ્સ-ઓન ટ્રેનિંગ મોડ્યુલ્સ, ઇન્ટરેક્ટિવ શોકેસ અને પ્રદર્શનો, અને IITGN સ્ટુડન્ટ ટેક્નિકલ કાઉન્સિલ અને તેની સંલગ્ન ક્લબ્સ/હોબી ગ્રુપ્સ, સેન્ટર ફોર ક્રિએટિવ લર્નિંગ (CCL), મેકર ભવન, અને HackRush જેવી IITGNના વિદ્યાર્થીઓની પહેલ દ્વારા ક્યુરેટ કરાયેલી વર્કશોપ અને સ્પર્ધાઓ સાથે આયોજિત કરવામાં આવ્યો છે. સ્પર્ધાઓમાં હાર્ડવેર પ્રોગ્રામિંગ, ગેમ ડેવલપમેન્ટ, બ્લોકચેન ટેક્નોલોજી અને NFTsને સમજવું, વિજ્ઞાન અને ટેક્નોલોજી આધારિત ટ્રેઝર હન્ટ અને ક્વિઝ, ખગોળશાસ્ત્ર વર્કશોપ, સ્ટ્રક્ચરલ એન્જિનિયરિંગ સ્પર્ધાઓ વગેરેનો સમાવેશ થાય છે. વધુમાં, વિદ્યાર્થીઓ સાયલન્ટ ડીજે, લાઇટ એન્ડ સાઉન્ડ શો, 3ડી પ્રિન્ટિંગ અને લેસર કટિંગ ટેક્નોલોજી, સંશોધન શોકેસ, સાઇટેક-થીમ આધારિત એન્ટરટેઇનમેન્ટ અને ઘણીબધી ઈવેન્ટ્સ દ્વારા મેળાને માણી શકે છે.

વિવિધ સ્પર્ધાઓ અને પ્રવૃત્તિઓ ઉપરાંત, IITGNનું સેન્ટર ફોર ક્રિએટિવ લર્નિંગ એક હેન્ડ્સ-ઓન વર્કશોપનું આયોજન કરશે, જે આઉટ-ઓફ-ધ-બોક્સ વિચારસરણી, સમસ્યાનું નિરાકરણ અને એક્ટિવ લર્નિંગને પ્રોત્સાહન આપશે. આ ઇવેન્ટમાં બે અલગ-અલગ વર્લ્ડ રેકોર્ડ તોડવાના પ્રયાસો પણ કરવામાં આવશે. IIT ગાંધીનગરની અસંખ્ય સંશોધન પ્રયોગશાળાઓ મોડેલો, પ્રાયોગિક સેટ-અપ્સ અને શોકેસનો ઉપયોગ કરીને વિજ્ઞાન અને તક્નિકીની વિભાવનાઓને સરળ બનાવવા માટે નિદર્શન કરશે. આ અનોખું પ્રદર્શન વિદ્યાર્થીઓને IIT ગાંધીનગરના ગતિશીલ સંશોધન અને શૈક્ષણિક ઈકોસિસ્ટમની ઝલક પ્રદાન કરશે.

પહેલ વિશે વાત કરતાં પ્રોફેસર અમિત પ્રશાંત, ડીન, R&D, IITGNએ જણાવ્યું હતું કે શરૂઆતથી જ IIT ગાંધીનગર STEAM ક્ષેત્રોમાં શિક્ષણ, જ્ઞાન પ્રસાર, નવીન સંશોધન અને ઇન્ટરેક્ટિવ આઉટરિચ પ્રોગ્રામ્સ માટેનું એક મહત્વપૂર્ણ સૂત્રધાર રહ્યું છે. ‘G20-Ignite’ દ્વારા અમે ઇચ્છીએ છીએ કે Gen-Z વિજ્ઞાન, ટેક્નોલોજી, શોધ, અને નવીનતાની અજાયબીઓની ઉજવણી કરે અને તેને આગળ વધારે. તે શાળાના વિદ્યાર્થીઓ, કોલેજના પ્રતિનિધિઓ અને રસ ધરાવતા હિતધારકોને IITGNની આંતરિક તક્નિકી કુશળતા, અત્યાધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સંશોધન સુવિધાઓ, અને સર્જનાત્મક શિક્ષણ કાર્યક્રમોનો અનુભવ કરવાની તક પણ પૂરી પાડશે.”