કેન્દ્રમાં બીજી સરકાર હોત તો મોંઘવારી માઝા મૂકતઃ PM

રાજકોટઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડમાં વિવિધ વિકાસ યોજનાઓનું ઉદઘાટન કર્યું હતું. આ પ્રસંગે તેમની સાથે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા પણ હાજર હતા. તેમણે કહ્યું હતું કે સૌરાષ્ટ્રની સાથે ગુજરાત માટે મોટો દિવસ છે, પણ હું એ પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છે, જેમને કુદરતી ઘટનાઓમાં નુકસાન વેઠવું પડ્યું છે. રાજ્યમાં પહેલા વાવાઝોડું અને ત્યાર પથી વરસાદે વિનાશ વેર્યો છે. રાજયની જનતાએ અને સરકારે સાથે મળીને એનો મક્કમતાથી સામનો કર્યો છે.

વડા પ્રધાને હીરાસર એરપોર્ટનું લોકાર્પણ કર્યું હતું. ત્યાર બાદ તેમણે કેકેવી ચોક પર ફ્લાયઓવર બ્રિજ સહિત સૌરાષ્ટ્રનાં રૂ. 2033 કરોડનાં કામોનું લોકાર્પણ કર્યું હતું. ત્યાર બાદ તેમણે સભા સંબોધી હતી.તેમણે જણાવ્યું હતું કે અમારી સરકારે મોંઘવારી ઘટાડી ન હોત તો દૂધ આજે રૂ. 300 લિટર અને દાળ રૂ. 500 રૂપિયે કિલો હોત. આ જ સુશાસનનું મોડલ છે.તેમણે જણાવ્યું હતું કે  બેંક તમારા મોબાઈલ ફોનમાં છે. રાજ્યમાં રૂ. 60,000 પરિવારે કેન્દ્ર સરકારની યોજનાનો લાભ લીધો છે.  સૌરાષ્ટ્રના લોકો સિવાય કોણ જાણી શકે કે પાણીની સમસ્યા શું છે. સૌની યોજનાથી હજારો ચેકડેમ પાણીના સ્ત્રોત બની ગયા છે. આજે નલ જળ મળી રહ્યું છે. ભૂપેન્દ્ર પટેલની સરકાર તમારી આકાંક્ષા પૂરી કરવા માટે કોઈ કસર છોડશે નહીં.

તેમણે જણાવ્યું હતું કે  ભ્રષ્ટાચાર અને પરિવારવાદવાળાઓએ પોતાની જમાતનું નામ બદલી નાખ્યું છે. પરંતુ તેનો ઇરાદો આજે એ જ છે. વડા પ્રધાનના આગમન પહેલાં રાજ્યના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા રાજકોટ આવી પહોંચ્યા હતા. બન્નેનું રાજકોટ એરપોર્ટ પર કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયા, રાજ્યસભાના સાંસદ રામ મોકરિયા, રાજકોટના સાંસદ મોહન કુંડારિયા, વિનોદ ચાવડા દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ ગુજરાત પ્રદેશ ભાજપ સી.આર. પાટીલ પણ રાજકોટ પહોંચ્યા હતા.