કેન્દ્રીય ગૃહપ્રધાન રાજનાથસિંહ ગુજરાતના પ્રવાસે, રાફેલ ડીલ વિશે બોલ્યાં કે…

અમરેલીઃ કેન્દ્રીય ગૃહપ્રધાન રાજનાથસિંહ આજે ગુજરાત પ્રવાસે આવ્યાં છે. રાજનાથસિંહે અમરેલીમાં ગુજરાત કો.ઓપરેટિવ બેંક દ્વારા તૈયાર કરવામાં આવેલા એક રથનું લોકાર્પણ કર્યું હતું. રાજનાથસિંહે પોતાના સંબોધનની શરુઆત રામ-રામ અને જય શ્રી કૃષ્ણ સાથે કરી હતી., તો ગુજરાત પ્રવાસનો વિશેષ મહત્ત્વ આપતાં પોતાના ટ્વીટરમાં પણ ગુજરાતી ભાષામાં નામ લખ્યું હતું.

આ પ્રસંગે ગૃહપ્રધાન રાજનાથસિંહે સંત ભોજલરામ અને વકીલ સાહેબ ઇમાનદારને યાદ કર્યા હતાં. ગુજરાતના લોકોનું સહકારી ક્ષેત્રે દેશભરમાં યોગદાન મહત્વનું છે. આર્થિક વિષમતા દૂર કરવા માટે વડાપ્રધાન દ્વારા પ્રયાસ હાથ ધરાયો છે. વધુ વાત કરતા રાજનાથ સિંહે જણાવ્યું કે અમરેલીમાં એક જ સ્થળે સહકારી સંસ્થાઓની સામાન્ય સભા યોજાઈ તે ગૌરવની વાત છે. તો સાથે જ ખેડૂતોની વાત કરતા રાજનાથ સિંહે કહ્યું કે ખેડૂતોને વ્યાજખોરો અને સાહુકારોની ચુંગાલમાંથી છોડાવવામા સહકારી પ્રવૃત્તિ સૌથી મોખરે છે. અમરેલી જિલ્લાનું સહકારી મોડેલ સમગ્ર દેશ માટે પ્રેરણાદાયી નિવડશે. રાજનાથસિંહે અમૂલનું ઉદાહરણ આપીને સહકારી ક્ષેત્રના વખાણ પણ કર્યા. અમૂલ સહકારી સમિતીનું શ્રેષ્ઠ માધ્યમ છે.

રાજનાથ સિંહે પોતાના સંબોધન દરમિયાન રાફેલ મુદ્દે વાત કરતા જણાવ્યું કે આરોપ સાબિત ન થાય ત્યાં સુધી આક્ષેપો કરવા અયોગ્ય છે. આ મુદ્દે સરકાર પોતાનું સ્પષ્ટીકરણ આપશે અને ત્યારબાદ દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે.

કેન્દ્રીય ગૃહપ્રધાન રાજનાથ સિંહ આજે ગુજરાતના પ્રવાસે છે ત્યારે તેમણે ટ્વિટર પર પોતાનું નામ પણ ગુજરાતીમાં લખ્યું હતું. અમરેલીનો કાર્યક્રમ પતાવીને રાજનાથ સિંહ અમરેલીથી સીધા વડોદરા એરપોર્ટ ખાતે પહોંચ્યા હતા અને સાંજે 5 વાગ્યે વડોદરા મિલન પાર્ટી પ્લોટ ખાતે કાર્યકરો સાથે સંવાદ બાદ દિલ્હી જવા રવાના થશે.