સિંહોના મોતનો મામલો: કેનાઇન ડિસ્ટેમ્પર વાઈરસ ફેલાયો હોવાની આશંકા

 જુનાગઢ-  ધારી નજીક દલખાણીયા રેન્જમાં તાજેતરમાં જ 11 સિંહોના મોતથી રાજ્યભરમાં હાહાકાર મચી ગયો છે. અને મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પણ આ મુદ્દાની ગંભીર નોંધ લીધી છે.  જેને પગલે 11 સિંહોના મોતનું કારણ જાણવા ગાંધીનગરથી એપીસીસીએફ સક્સેના, પીસીસીએફ મીના, રાજકોટના સીસીએફ પટેલ, સાસણના ડીએફઓ વગેરે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.

કેનાઇન ડિસ્ટેમ્પર વાઈરસ ફેલાયો હોવાની આશંકા

કૂતરાએ ખાધેલા મારણ બાદ જો તે સિંહ ખાય તો તેની લાળથી સિંહોમાં કેનાઇન ડિસ્ટેમ્પર નામનો વાઈરસ ફેલાઈ છે, જેના કારણે સિંહોના જીવ સામે મોટું જોખમ ઊભું થઈ શકે છે. જો કે, વન વિભાગે સિંહોના મૃતદેહો પર આ વાઈરસ અંગે તપાસની કોઈ દરકાર લીધી નથી. 15 દિવસ પહેલા એક સિંહે કૂતરા દ્વારા ખાવામાં આવેલું મારણ ખાતા તુલસીશ્યામ રેન્જના 140 સિંહ પર પણ આ કેનાઇન ડિસ્ટમ્પર નામના વાઇરસના સકંજામાં આવવાની સંભાવના છે.

6 સપ્ટેમ્બર 2018ના રોજ રાજુલા રેન્જ દ્વારા ઘાયલ સિંહને પકડવા માટે પાંજરું મુકવામાં આવ્યું હતું. આ પાંજરામાં કૂતરા દ્વારા ખાવામાં આવેલું મારણ સિંહને આપ્યું હતું. આ દિવસે બપોરે પાંજરામાં મુકવામાં આવેલું મારણ કૂતરા અને તે જ રાતના 2 વાગ્યે આ ઘાયલ સિંહ તેમજ અન્ય સિંહના ગ્રુપે આ મારણ ખાધું હતું. આ ઘાયલ સિંહ તે રાત્રે જ પકડાયો હતો અને રાજુલા ખાતે તેને 3 દિવસ સારવાર આપવામાં આવી હતી. ત્યાર બાદ આ સિંહને કતારધારમાં છોડવામાં આવ્યો હતો. હાલ આ સિંહ ક્યાં અને કઈ પરિસ્થિતિમાં છે તેની જાણકારી રાજુલા રેન્જ વનવિભાગ પાસે નથી.

રાજુલા રેન્જ દ્વારા આ ઘાયલ સિંહ છોડવામાં આવ્યો ત્યારે બોર્ડર ગણાતી તુલસીશ્યામ રેન્જને આ અંગે કોઈ જ માહિતી આપી નથી. જ્યારે આ ઘાયલ સિંહ તેમજ અન્ય સિંહોએ કે દીપડાએ કૂતરાએ ખાધેલું મારણ ખાધું હોવાથી આ સિંહો પણ આ વાઈરસનો શિકાર થવાની સંભાવના નકારી શકાય તેમ નથી. આમ 15 દિવસ પહેલા કૂતરાએ ખાધેલું મારણ ખાધા બાદ ઇજાગ્રસ્ત સિંહને સારવાર આપી વાઇરસની તપાસ કર્યા વગર જ છોડી મુકવામાં આવ્યો હતો.આમ આ સિંહને કારણે હાલ તુલસીશ્યામ રેન્જના 7 રાઉન્ડના 140 સિંહો પર જીવનું જોખમ તોડાઈ રહ્યું છે.

ગઈકાલે જાહેરાત કરવામાં આવી હતી કે 11 પૈકી 8 સિંહોના મોત ઇનફાઇટ દરમિયાનમ થયા છે. જયારે 3 સાવજોના મોતનું કારણ સ્પષ્ટ નથી થયું. વનવિભાગના એસીએફે જાહેર કર્યું હતું કે ત્રણ નર અને એક માદાનું બીમારીથી મોત થયું છે, જેના ફેફસા અને લીવરમા અમુક લક્ષણો જોવા મળ્યાં છે.

ઉલ્લેખનીય છે કે, સીએમ વિજય રૂપાણીએ ગીરમાં સિંહોના મોત અંગે એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું. તેમને કહ્યું કે, 11 સિંહોના મોતના અહેવાલે રાજ્યભરમાં ચર્ચા પકડી છે. જો જરૂર પડશે તો તમામ સિંહોનું પરીક્ષણ કરવામાં આવશે. સિંહોના મોત અંગે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જો કોઈની બેદરકારી સામે આવશે તો તેની સામે કડક પગલાં લેવામાં આવશે.