અમદાવાદઃ કોરોના કાળમાં તમામ શહેરીજનો મોટા ભાગે ઘરમાં જ રહ્યા હતા ત્યારે હવે બાગ-બગીચામાં ફરવાનો અને વધુમાં વધુ ઓક્સિજન મેળવવાનો એક સ્ત્રોત અમદાવાદના આંગણે ઊભો કરવામાં આવ્યો છે. મોટેરાઓને તો ગમશે જ પણ બાળકોને જંગલનો અહેસાસ ઘરઆંગણે જ મળી રહેશે. AMC દ્વારા વધુ એક નવું નજરાણું એટલે સાયન્સ સિટી રોડ પર ઉગતી તળાવ પાસે ‘’ઓક્સિજન પાર્ક’’. જેને અતિ ગીચ વૃક્ષોના જંગલ ધરાવતો ગાર્ડન તરીકે તૈયાર કરવામાં આવ્યો છે. આ પાર્કને જાપાની પદ્ધતિ ડો.અરિકા મિયાવાંકીની પદ્ધતિ પ્રમાણે બનાવવામાં આવ્યો છે.
આ અરિકા મિયાવાકી કોણ છે?
૧૯૨૮માં જાપાનમા જન્મેલા અકિરા મિયાંવાંકી વનસ્પતિશાસ્ત્રી અને વનસ્પતિ ઇકોલોજીમાં નિષ્ણાત છે. કુદરતી વનસ્પતિ અને સંપદાનું રક્ષણ કરવા માટે તેઓ સમગ્ર વિશ્વમા જંગલો બચાવવા માટે સક્રિય રીતે કામ કરી રહ્યા છે. જાપાનાની યોકોહામા નેશનલ યુનિવર્સિટીમાં તેઓ ઇકોલોજીના પ્રોફેસર છે અને જાપાની સેન્ટર ફોર ઇન્ટરનેશનલ સ્ટડીઝના ડિરેક્ટર છે. વર્ષ ૨૦૦૬માં પર્યાવરણ માટેનો નોબેલ પુરસ્કાર ‘’બ્લુ પ્લેનેટ પ્રાઇઝ’’ તેમણે મેળવ્યો છે.
પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશિપ અંતર્ગત શહેરી નીતિ ટ્રસ્ટ અને સંસ્થાના સહયોગથી ‘ઉગતી ઓક્સિજન પાર્ક’ તૈયાર કરવામાં આવ્યો છે. જેનું ઓનલાઇન વર્ચ્યુઅલ લોકાર્પણ કેન્દ્રીય ગૃહપ્રધાનને હસ્તે ૨૮ મે, ૨૦૨૧એ આ બગીચો શહેરીજનોને પ્રજાર્પણ કર્યો છે.
આ ઓક્સિજન પાર્કમાં ૧૧,000 ચો.મી. વિસ્તારમાં તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં ૫૫૦૦ ચો. મી જગ્યામાં મિયાવાકી પદ્ધતિથી ગીચ જંગલ તૈયાર કરવામાં આવ્યું છે, તેમાં ૪થી વધુ પ્રજાતિના છોડ અને ૨૫,000થી વધુ વૃક્ષો ખૂબ જ ટૂંકા ગાળામાં ઉગાડવામાં આવ્યાં છે. અમદાવાદમાં કોન્ક્રીટનાં જંગલો વચ્ચે શહેરીજનો માટે પાર્ક આકર્ષણનું મુખ્ય કેન્દ્રબિંદુ બની રહેશે, તેમાં બેમત નથી.
ઓક્સિજન પાર્કના પ્રવેશદ્વાર નજીક બાળકો માટેનો પ્લે એરિયા બનાવવામાં આવ્યો છે. વિશ્રામ કરી શકાય એ માટેની સુંદર બેઠક-વ્યવસ્થા પણ રાખવામાં આવી છે. જંગલની વચ્ચેથી વોક એરિયા બનાવવામાં આવ્યો છે. કુદરતી વાતાવરણની વચ્ચે યોગ અને કસરતો કરી શકાય તેવી પણ ઉત્તમ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે.
બગીચાની સ્વચ્છતા જળવાઈ રહે તેના માટે આધુનિક ઢબની કચરા-ટોપલી રાખવામાં આવી છે. એ સાથે વોકિંગ કરવા અને ફરવા આવનાર નાગરિકો માટે શૌચાલયની પણ સુવિધાઓ છે તથા પાર્કમા આવતા લોકો અને બગીચાની સુરક્ષા માટે ગાર્ડ રાખવામાં આવ્યા છે. અહીં વનમાં જીવન હોવાનો હૃદયથી અહેસાસ થાય તેવું મનોહર નયનરમ્ય વાતાવરણ છે.