જૂનાગઢઃ દક્ષિણ ગુજરાતમાં તોફાની બેટિંગ કર્યા બાદ મેઘરાજા હવે સૌરાષ્ટ્રના ગીર સોમનાથ અને ભાવનગર સહિતના સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસાવી રહ્યાં છે. ભાવનગર જિલ્લામાં ગઈકાલથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર ભાવનગરના જેસર તાલુકામાં સૌથી વધારે વરસાદ વરસ્યો છે. જેસરમાં 2 કલાકમાં 7 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. હિરણ નદીમાં પૂરની સંભાવના છે જેને પગલે નીચાણના વિસ્તારોને સાવચેત કરવામાં આવ્યાં છે, સાથે હિરણ-2 ડેમમાં દરવાજા અડધો ફૂટ ખોલી નાંખવામાં આવ્યાં છે.
તો ભારે વરસાદના કારણે બગોદરા અને મહુવાની નદીઓમાં ઘોડાપુર આવ્યા છે. જેના પગલે તંત્ર પણ એલર્ટ થઇ ગયું છે. સાથે સાથે ભાવનગર શહેરની જીવા દોરી સમાન શેત્રુંજી ડેમમાં પાણીને ભારે આવક થઇ છે. આ ડેમમાં સતત પાણીની આવક વધતી રહેશે તો ડેમ ઓવરફ્લો થવામાં વાર નહીં લાગે.
પ્રાપ્ત વિગતો અનુસાર ભાવનગર જિલ્લામાં વરસાદે માજા મુકી છે. રવિવારે ભાગવનગર જિલ્લામાં વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી હતી. જોકે, ત્યારબાદ આજે પણ વહેલી સવારથી જ આ જિલ્લામાં વરસાદ પડવાનો શરૂ થઇ ગયો છે. જે ધીમે ધીમે વધી રહ્યો છે.
તો આ તરફ મહુવા તાલુકા સહિતના વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડ્યો છે. જોકે છેલ્લા 24 કલાકમાં આ વિસ્તારમા આશરે 9 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે.
ભાવનગર જિલ્લામાં પડેલા ભારે વરસાદના કારણે શેત્રુંજી ડેમમાં પાણીની આવક વધી રહી છે. પાણીની આવક વધવાના પગલે શેત્રુંજી ડેમમાં પાણીની સપાટી 22.7 ફૂટે પહોંચી છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે 6000 ક્યુસેક પાણીની આવક હજી પણ યથાવત્ છે. જોકે ડેમ ઓવરફ્લો થવામાં હજી 11 ફૂટ પાણીની ઘટ છે. ત્યારે જો આ જ પ્રકારે સતત પાણીની આવક ચાલુ રહેશે તો ડેમ ઓવરફ્લો થાય તેવી શક્યતાઓ છે.
ભારે વરસાદ વરસી રહ્યો હોવાના કારણે મહુવા અને બગોદારા વિસ્તારમાં આવેલી નદીઓ બંને કાંઠે વહી રહી છે. આ નદીઓમાં ઘોડાપુરની સ્થિતિ પણ સર્જાઇ હતી. જેના પગલે નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે સાથે સાથે તંત્ર પણ સાબદુ બન્યું છે.