સૌરાષ્ટ્રમાં મેઘમહેર, ગિરનાર પર 9 ઈંચ વરસાદ, નદીનાળાં છલકાયાં

અમદાવાદઃ રાજ્યના 28 જિલ્લાના 157 તાલુકામાં વરસાદ ધોધમાર વરસ્યો છે. રાજ્યમાં સૌથી વધુ વરસાદ ડાંગના વઘઈમાં 8.12 ઈંચ વરસાદ પડ્યો છે. રાજ્યમાં સરેરાશ વરસાદ 271.87 મીમી એટલેકે ઋતુનો કુલ 26.70 ટકા વરસાદ વરસ્યો છે. રાજ્યમાં 95 તાલુકામાં 1 થી 2 ઈંચ સુધીનો વરસાદ વરસ્યો છે.

સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ પધરામણી કરી દીધી છે અને ધોધમાર વરસાદ વરસ્યો છે. આજે વહેલી સવારથી જ ધોધમાર વરસાદ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસી રહ્યો છે. તો જૂનાગઢમાં વધુ ત્રણ ઈંચ વરસાદ પડતા નદીઓમાં ઘોડાપુર આવ્યા છે. ગિરનાર જંગલમાં વરસાદ પડતાં નદીઓમાં ઘોડાપૂર આવ્યા હતા. જૂનાગઢને પીવાનું પાણી પુરૂ પડતા વીલીંગ્ડન ડેમમાં કાલે 4 ફૂટ પાણી આવ્યું હતું. પરંતુ રાતે પડેલા ભારે વરસાદના કારણે સવાર સુધીમાં વીંલીગ્ડન ડેમ ઓવરફ્લો થયો હતો. આ ઉપરાંત માળિયામાં સવારે 2 કલાકમાં 3 ઇંચ વરસાદ પડી ગયો હતો.

જુનાગઢ જીલ્લાની વાત કરીએ તો છેલ્લા 12 કલાકથી જુનાગઢમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. ગીરનાર પર્વત પર પણ 9 ઈંચ જેટલો વરસાદ વરસી ગયો છે અને દામોદર કુંડ પણ અત્યારે બે કાંઠે છલોછલ થઈ ગયો છે. તો આ સીવાય જુનાગઢ શહેરમાં 7 ઈંચ વરસાદ વરસ્યો છે. આના કારણે સોનરખ નદીમાં પણ ઘોડાપુર આવ્યું છે. ત્યારે જુનાગઢમાં ધોધમાર વરસાદ પડતા લોકો પણ મોજમાં આવી ગયા હતા અને ભવનાથ વિસ્તારમાં લોકો નહાવા માટે પહોંચી ગયા હતા.

તો રાજકોટમાં પણ મેઘમહેર થઈ છે. રાજકોટમાં જોરદાર વરસાદ થતા કોટડાસાંગાણી ડેમમાં પાણીની આવક થઈ છે અને ગોંડલી અને વાછપરી ડેમમાં નવા નીર આવ્યા છે. ઉપરવાસમાં વરસાદ થવાના કારણે પણ ડેમમાં પાણીની આવક વધી છે જેથી રાજપરા,નારણકા,નવાગામમાં વરસાદથી વાછપરી ડેમ પણ છલકાયો છે.

તો આ સીવાય અમરેલી જિલ્લાના દરિયાકાંઠાના વિસ્તારમાં આખી રાત મૂશળધાર વરસાદ પડવાના કારણે કેટલાક વિસ્તારમાં જળબંબાકારની સ્થિતી સર્જાઈ છે. ડુંગર વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વરસાદના કારણે નીંચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસ્યા છે. જો કે હાલ ધીમે ધીમે પાણી ઓસરી રહ્યા છે.

આ સીવાય રાજકોટના ગોંડલ પંથકમાં આજે બીજા દિવસે પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે આગામી 48 કલાકમાં વધુ વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાઈ છે.