અમદાવાદ: ગુજરાતમાં ગરમીનો પ્રકોપ વર્તાય રહ્યો છે. આકાસમાંથી અગનગોળા વરસાતા હોય તેવું લાગી રહ્યું છે. આ વચ્ચે રાજકોટ ફરી એક વખત 44.9 ડિગ્રી તાપમાન સાથે ગુજરાતનું સૌથી ગરમ શહેર બન્યું હતું. જ્યારે અમદાવાદમાં 44.8 ડિગ્રી નોંધાયું. રાજ્યના અન્ય શહેરોમાં પણ તાપમાન 42થી 45 ડિગ્રી વચ્ચે રહ્યું, જેમાં ગાંધીનગર (44), અમરેલી (44.5), કંડલા (44.3), વડોદરા (42.4) અને ભાવનગર (41.6)નો સમાવેશ થાય છે.
ઉલ્લેખનીય છે કે, ભારે તાપને લઈ ગુજરાતમાં મોટાભાગના શહેરોમાં રસ્તા સૂમસામ જોવા મળી રહ્યા છે. હવામાન વિભાગ પ્રમાણે, છેલ્લા બે દિવસથી મહત્તમ તાપમાન 46 ડિગ્રીને પાર ગયું છે અને આગામી દિવસોમાં ગરમીથી રાહતની કોઈ આશા નથી. ગરમ પવનો અને ભીષણ તાપને લીધે વાહનચાલકો પણ હેરાન છે. રસ્તાઓ પર કુદરતી કર્ફ્યૂ જેવો માહોલ છે.
લોકો ગરમીથી બચવા હિલ સ્ટેશનો અને વોટરપાર્કનો આશરો લઈ રહ્યા છે. હવામાન વિભાગે ચેતવણી આપી છે કે આકરી ગરમીનો સામનો કરવા લોકોએ તૈયાર રહેવું પડશે. ગઈ કાલે 11 જિલ્લાઓમાં તાપમાન 40 ડિગ્રીને વટાવી ગયું હતું, અને આજે પણ ઘણા જિલ્લાઓમાં 2 ડિગ્રીનો વધારો જોવાયો.
