ગુજરાતમાં હીટવેવ અને ધૂળની ડમરીનું એલર્ટ

ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત છે. હવામાન વિભાગે 18 એપ્રિલ, 2025 (શુક્રવાર) માટે કચ્છ અને રાજકોટ જિલ્લામાં હીટવેવનું યલો એલર્ટ જાહેર કર્યું છે. આગામી સાત દિવસ રાજ્યમાં ઊંચું તાપમાન અને ભારે પવનની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને, 19 અને 20 એપ્રિલે કચ્છ-સૌરાષ્ટ્ર, મધ્ય અને ઉત્તર ગુજરાતના 24 જિલ્લામાં ધૂળની ડમરી સાથે તીવ્ર પવન ફૂંકાવાની શક્યતા છે. આ દરમિયાન માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વાતાવરણમાં પલટો આવી શકે છે. 19-20 એપ્રિલે કચ્છ, બનાસકાંઠા, પાટણ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, બોટાદ, ગીર સોમનાથ, રાજકોટ, અમરેલી, ભાવનગર, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, પંચમહાલ, આણંદ, ખેડા, મહીસાગર, દાહોદ અને અરવલ્લી જિલ્લામાં ધૂળની ડમરી ઉડાડે તેવા પવનની આગાહી છે. 21 એપ્રિલે હવામાન શુષ્ક રહેશે, જ્યારે 22થી 24 એપ્રિલ દરમિયાન કચ્છ-સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે ગરમ અને ભેજવાળું વાતાવરણ રહેશે.

આગામી 24 કલાક બાદ, 2 દિવસમાં તાપમાનમાં 2-3 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે. 19 એપ્રિલે અમદાવાદમાં મહત્તમ તાપમાન 43 ડિગ્રી સુધી પહોંચી શકે છે. શુક્રવારે સવારે 8:30 સુધીના 24 કલાકમાં કંડલા એરપોર્ટે 44.6 ડિગ્રી સાથે સૌથી વધુ તાપમાન નોંધાયું, જ્યારે ભુજમાં 41.4, સુરેન્દ્રનગરમાં 43.3, રાજકોટમાં 42.9, ડીસામાં 40.2, અમદાવાદમાં 41.8, ગાંધીનગરમાં 41, અમરેલીમાં 42.5 અને વડોદરામાં 39.8 ડિગ્રી તાપમાન નોંધાયું.

નાગરિકોએ ગરમીથી બચવા પૂરતું પાણી પીવું, બહાર નીકળતી વખતે છત્રી કે ટોપીનો ઉપયોગ કરવો અને ધૂળની ડમરી દરમિયાન ઘરની બહાર ન નીકળવું જોઈએ. માછીમારોએ હવામાન વિભાગની સૂચનાઓનું પાલન કરીને દરિયામાં ન જવું જોઈએ.