અમદાવાદઃ રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રારંભ થઇ ચૂક્યો છે. રાજ્યમાં પ્રતિ દિન પારો ઊંચકાઈ રહ્યો છે. અમદાવાદ સહિતના શહેરોમાં ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગે રાજ્યમાં ગરમીમાં વધારો થવાની આગાહી કરી છે. જોકે બે દિવસ બાદ અમદાવાદમાં ગરમીમાં આંશિક રાહત મળી શકે.રાજ્યમાં આગામી પાંચ દિવસ વાતાવરણ સૂકું રહેશે. બે દિવસ તાપમાનમાં કોઈ ફેરફાર નહીં થાય. જ્યારે બે દિવસ બાદ સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલીમાં બે ડિગ્રી તાપમાન વધવાની શકયતા છે. જ્યારે સુરેન્દ્રનગરમાં 41.3 ડિગ્રી, અમરેલી 40.8 ડિગ્રી,અમદાવાદ. 40.5 ડિગ્રી, રાજકોટ. 40.3 ડિગ્રી અને ગાંધીનગર 39.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. બાકીના સ્થળે 35થી 39 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
રાજ્યમાં ગરમી વધવાની સાથે જળસંકટ પણ ઘેરી બની રહ્યું છે. રાજકોટ શહેરમાં જેમ-જેમ ઉનાળો આગળ વધી રહ્યો છે તેમ-તેમ જળસંકટ વધુ ઘેરું બની રહ્યું છે. રાજકોટમાં જો ચોમાસું ખેંચાય તો પાણીની કોઈ તંગી ન રહે એ માટે રાજકોટ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનરે આજી-1 ડેમ અને ન્યા- 1 ડેમમાં સૌની યોજના થકી પાણી ઠાલવવાની માગ કરી છે. હાલમાં જે જથ્થો ઉપલબ્ધ છે તે બે મહિના સુધી ચાલે તેટલો છે ત્યારે જો વરસાદ ખેંચાય તો પણ પાણીની કોઇ સમસ્યા ન રહે એ માટે સરકારને પત્ર લખીને પાણીની માગ કરવામાં આવી છે.