હાર્ટ એટેકનો સિલસિલો યથાવત્: 10 વર્ષીય કિશોરીનું મોત

અમદાવાદઃ રાજ્યમાં હાર્ટ એટેકના બનાવોમાં ચિંતાજનક વધારો થયો છે. એક બસ ડ્રાઇવરને ચાલુ બસે હાર્ટ એટેક આવ્યો હતો, જ્યારે ભરૂચમાં 10 વર્ષીય કિશોરીનું હાર્ટ એટેકથી મોત થયું હતું. હિંમતનગર-વિજાપુર હાઈવે પર પાટણ-લુણાવાડા એસટી બસના ડ્રાઇવરને અચાનક હાર્ટ એટેક આવતાં તેણે બસને સાઇડમાં ઊભી કરી દેતાં મુસાફરોનો જીવ બચી ગયો હતો. લોકોએ ડ્રાઇવરને 108 બોલાવી સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો હતો. રાજ્ય સરકારે યુવાનોમાં આવી રહેલા હાર્ટ એટેક અને તેનાથી થતાં મોતને લઈને નિષ્ણાત ડોક્ટરોની એક કમિટી રચી છે.

બીજી તરફ ભરૂચમાં માત્ર 10 વર્ષની બાળકીને હાર્ટ એટેક આવતાં તેનું મોત થયું છે. ભરૂચમાં ધોરણ ચારમાં ભણતી દિયાંશી કપલેટિયાને અચાનક હાર્ટ એટેક આવ્યો હતો. ત્યાર બાદ પરિવાર તેને હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયો હતો. જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કરી હતી. રાજકોટમાં પણ વધુ એક વ્યક્તિનું હાર્ટ એટેકને કારણે મોત થયું છે. 52 વર્ષીય હિતેષ ભટ્ટી નામની વ્યક્તિનું મોત થયું છે.

હાર્ટ એટેકના કેસને લઇને કાર્ડિયોલોજિસ્ટ ડોક્ટર અભિષેક ત્રિપાઠીએ કહ્યું કે હાર્ટ એટેક આવવાનું એક કારણ અપૂરતી ઊંઘ છે. જો વ્યક્તિ પૂરતી ઊંઘ ન લે તો હાર્ટ એટેકનો શિકાર બની શકે છે. અમેરિકન કોલેજ ઓફ કાર્ડિયોલોજીના જનરલના પ્રકાશિત થયેલા અભ્યાસ મુજબ છ કલાકથી ઓછી ઊંઘ લેનારા લોકોને હાર્ટ એટેક આવવાનું જોખમ 32 ટકા વધારે હતું.