હનુમાન જયંતી: ચારેકોર કષ્ટભંજન છવાયા

અમદાવાદઃ હિંદુ સનાતન ધર્મમાં સૌથી વધારે પૂજાતા ભગવાનમાંના એક એવા રામભક્ત હનુમાનજીની જયંતીની ઉજવણી આ વર્ષે ભવ્ય રીતે કરવામાં આવી છે. ચૈત્ર સુદ પૂનમને ગુરુવારની વહેલી સવારથી જ હનુમાનજીના ભક્તોની મંદિરોમાં લાંબી કતારો જોવા મળી હતી..આ યુગમાં કષ્ટભંજન ગણાતા હનુમાનજી મહારાજનાં અનેક મંદિરો છે અને સતત વધતાં જાય છે.

એવું માનવામાં આવે છે કે પવનપુત્ર હનુમાન ચિરંજીવ છે. હનુમાનજી જયંતીને લોકો ઉત્સવની જેમ ઊજવી રહ્યા છે. મંદિરોમાં શણગાર કરવામાં આવે છે. શહેરમાં યાત્રાઓ નીકળી છે. અનેક વિસ્તારના  હનુમાન મંદિરોમાં હનુમાન ચાલીસાના પાઠ, સુંદર કાંડનું આયોજન કરવામાં આવ્યું છે. કેટલાંક મંદિરોમાં યજ્ઞો પણ કરવામાં આવ્યા. અંજનીપુત્રને અન્નકૂટ પણ ધરાવવામાં આવ્યો હતો.

તમામ વયજૂથના લોકોમાં હનુમાનજીની  લોકપ્રિયતા શિખરો સર કરતી જાય છે. હનુમાન જયંતીની વહેલી સવારથી જ સોશિયલ મિડિયામાં રામભક્ત હનુમાન છવાઈ ગયા છે.

(પ્રજ્ઞેશ વ્યાસ)