આકારી ગરમીમાંથી ગુજરાતવાસીઓને મળી આંશિક રાહત, જાણો ક્યાં કેટલું તાપમાન નોંધાયું

ગુજરાતમાં ગરમીનો પારો થોડો નીચે આવ્યો છે, જેના કારણે રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં તાપમાનમાં 2 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે. પવનની ગતિમાં વધારો થતાં આ રાહત મળી છે. હવામાન વિભાગે આજથી આગામી બે દિવસ સુધી ભારે પવન ફૂંકાવાની અને ધૂળની ડમરીઓ ઉડવાની આગાહી કરી છે. રાજકોટમાં સૌથી વધુ 41.7 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ, અમદાવાદમાં 39.7 ડિગ્રી, ગાંધીનગરમાં 40.2 ડિગ્રી, ડિસામાં 37.6 ડિગ્રી, વલ્લભ વિદ્યાનગરમાં 39.5 ડિગ્રી, વડોદરામાં 38.5 ડિગ્રી, સુરતમાં 34.6 ડિગ્રી, ભુજમાં 40.2 ડિગ્રી, નલિયામાં 35.2 ડિગ્રી, કંડલા એરપોર્ટ પર 41 ડિગ્રી, અમરેલીમાં 40.9 ડિગ્રી અને સુરેન્દ્રનગરમાં 40.8 ડિગ્રી તાપમાન નોંધાયું. આજે અને આવતીકાલે કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભારે પવન ફૂંકાવાની સક્યતા હવામા વિભાગે વ્યક્ત કરી છે. જ્યારે મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ધૂળની ડમરીઓ ઉડે તેવી શક્યતા છે. અમદાવાદ, ગાંધીનગર, કચ્છ, બનાસકાંઠા, પાટણ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ અને ગીર સોમનાથમાં પણ ધૂળની ડમરીઓ સાથે પવનની આગાહી છે.

હવામાન વિભાગે જણાવ્યું કે, આગામી 24 કલાકમાં તાપમાનમાં ખાસ ફેરફાર થશે નહીં, પરંતુ ત્યારબાદ 2-3 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે. 21 એપ્રિલે ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક વિસ્તારોમાં તાપમાન 41-45 ડિગ્રીની વચ્ચે રહેવાની શક્યતા છે. આ બાજુ ભાવનગરમાં ગત સોમવારે સિઝનનો 42.2 ડિગ્રી સાથે સૌથી ગરમ દિવસ નોંધાયો હતો. પરંતુ ત્યારબાદ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો. શનિવારે મહત્તમ તાપમાન 37.4 ડિગ્રી અને લઘુત્તમ 23.3 ડિગ્રી નોંધાયું. જ્યારે રવિવારે મહત્તમ તાપમાન 36 ડિગ્રીએ પહોંચ્યું. પવનની ઝડપ 18-30 કિમી પ્રતિ કલાક રહી, જેના કારણે ગરમીમાં આંશિક રાહત મળી. હવામાન વિભાગે આગામી સપ્તાહમાં ભાવનગરમાં તાપમાન 40 ડિગ્રીથી નીચે રહેવાની આગાહી કરી છે.