ગાંધીનગરઃ રાજ્યની તમામ સ્કૂલોમાં હવે ગુજરાતી ફરજિયાત ભણાવવું પડશે. રાજ્યના વિધાનસભા ગૃહમાં શિક્ષણપ્રધાને ગુજરાતી ભાષાને ફરજિયાત કરતું બિલ ગૃહમાં રજૂ કર્યું હતું, જે સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું હતું. વળી, આ બિલમાં નિયમ ભંગ સામે કડક જોગવાઈ પણ કરવામાં આવી છે. જે શાળા ગુજરાતી વિષય ફરજિયત નહીં ભણાવે તેને રૂ. બે સુધીનો દંડ ફટકારવામાં આવશે. આમ હવે રાજ્યનાં તમામ બાળકો એ,બી,સીની સાથે ક,ખ,ગ પણ ભણશે.
હવે ગુજરાતી ભાષા રાજ્યની બધી સ્કૂલોમાં પહેલા ધોરણથી શરૂ કરવામાં આવશે. ગુજરાતી ભાષા હવે રાજ્યની બધી સ્કૂલોમાં ફરજિયાત થઈ ગઈ છે. ભાજપના એક વિધાનસભ્યે કહ્યું હતું કે આપણા દેશમાં કેટલાંય રાજ્યો છે, જ્યાં રાજ્યની ભાષાને પહેલી પ્રાથમિકતા અને મહત્ત્વને આપવામાં આવે છે. ઉદાહરણ તરીકે મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ અને દક્ષિણી રાજ્યો જુઓ ત્યાં રાજ્યની ભાષાને પ્રાથમિકતા આપવામાં આવી છે. અમને લાગ્યું કે રાજ્યમાં ક્યાંક ને ક્યાંક ગુજરાતી ભાષા ઉપેક્ષિત થઈ રહી છે. રાજ્યમાં બધા વિદ્યાર્થીઓ માટે ગુજરાતી ભાષાની મૂળ વાતો ફરજિયાત છે અને એટલા માટે આ વિધેયકને વિધાનસભાના સત્રમાં રજૂ કરવામાં આવ્યું હતું.રસપ્રદ વાત એ છે કે વિરોધી પક્ષો અને કોંગ્રેસ એ પણ એ બિલને ટેકો આપ્યો હતો. આ બિલનું પાલન નહીં કરવાવાળી સ્કૂલો પર દંડ ફટકારવામાં આવશે. જોકોઈ વિદ્યાર્થી ગુજરાત બહારનો છે, એ સંબંધમાં પણ જોગવાઈ છે. જો કોઈ વિદ્યાર્થી તરફથી લેખિતમાં વાજબી કારણ દર્શાવી કારણ આપી છૂટ માગવામાં આવશે તો એને પણ છૂટ આપવાની જોગવાઈ કરવામાં આવી છે.
આ બિલમાં ગુજરાતી વિષય ન ભણાવતી શાળાઓ માટે દંડ અને સજાની જોગવાઈ રાખવામાં આવી છે. રાજ્યમાં ચાલતી અંગ્રેજી માધ્યમની શાળાઓ CBSC બોર્ડની શાળાઓ અને ઇન્ટરનેશનલ બોર્ડની શાળાઓ દ્વારા આ નિયમોનો ઉલ્લંઘન કરવામાં આવતું હતું. આ કાયદા પ્રમાણે ધોરણ એકથી આઠમાં તમામ શૈક્ષણિક બોર્ડ એટલે કે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ, CBSC શિક્ષણ બોર્ડ અને ઇન્ટરનેશનલ શિક્ષણ બોર્ડની શાળાઓએ પણ ફરજિયાતપણે વિદ્યાર્થીઓને ગુજરાતી વિષયનો અભ્યાસક્રમ આપવાનો રહેશે.