ગરબાની રમઝટ વચ્ચે ગુજરાત ટાઇટન્સનો ભવ્ય રોડ-શો

અમદાવાદ: IPL 2022ની 15મી સીઝનની ફાઇનલ મેચમાં ગઈ કાલે ગુજરાત ટાઇટન્સ (GT)ની ટીમે રાજસ્થાન રોયલ્સની ટીમ સામે ભવ્ય વિજય મેળવ્યો હતો. જેથી GTની ટીમે આ જીતની ઉજવણી અમદાવાદમાં કરી હતી, જેના ભાગરૂપે ટીમનો ભવ્ય રોડ-શો યોજવામાં આવ્યો હતો. શહેરમાં આશ્રમ રોડ પર આવેલી હોટેલ હયાતથી રોડ-શો શરૂ થયો છે, જે રિવરફ્રન્ટ સુધી યોજવામાં આવ્યો હતો. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ રોડ-શોને ફ્લેગ ઓફ કરાવ્યું હતું.

આ રોડ-શો હયાત હોટેલથી ઇન્કમટેક્સ નીચેની તરફથી થઈને ઉસ્માનપુરા થઈ રિવરફ્રન્ટ પર તરફ અને ત્યાંથી ગાંધી બ્રિજ રિવરફ્રન્ટ પરથી ઉસ્માનપુરા થઈને હયાત હોટેલ જશે. અમદાવાદ શહેર પોલીસે આ રોડ-શોને મંજૂરી આપી દીધી છે. કુલ છ કિલોમીટરનો રોડ-શો થશે. GTના તમામ ક્રિકેટરો અને સભ્યો રોડ-શોમાં જોડાયા હતા.

રિવરફ્રન્ટ પર GTના કેપ્ટન હાર્દિક પંડ્યા અને અન્ય ક્રિકેટરોની એક ઝલક જોવા માટે લોકોમાં ખૂબ ઉત્સાહ જોવા મળ્યો હતો. આ રોડ-શોમાં ક્રિકેટરોએ ક્રિકેટચાહકો ખાસ કરીને GTના ચાહકોને ટી-શર્ટ્સ આપ્યાં હતાં.

 

રવિવારે રાજસ્થાન રોયલ્સને હરાવીને GTની ટીમે પહેલી જ વારમાં ટાઇટલ જીતીને ઇતિહાસ રચી દીધો છે. ત્યારે સોમવારે ગાંધીનગરમાં CM પટેલ અને રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં GTની આખી ટીમનો અભિવાદન સમારોહ યોજાયો હતો. સ્ટેજ પર CM પટેલ સાથે GTનો કેપ્ટન હાર્દિક પંડ્યા અને હર્ષ સંઘવી હતા, જ્યારે બાકી ટીમના બધા ખેલાડીઓ સામે બેઠા હતા.

આ દરમિયાન IPLની ટ્રોફી પણ ત્યાં મૂકવામાં આવી હતી અને બાદમાં CM પટેલે બધા ખેલાડીઓ સાથે ફોટા પડાવ્યા હતા અને દરેક ખેલાડીને ખેસ પહેરાવીને જીત બદલ શુભેચ્છા પાઠવી હતી.

GTને IPL 2022ની ચેમ્પિયન ટીમ તરીકે રૂ. 20 કરોડ મળ્યા હતા, જ્યારે RRને રૂ. 13 કરોડ મળ્યા હતા.