એક્વાટિક ચેમ્પિયનશિપમાં જહાન પટેલ રનર-અપ બન્યો

અમદાવાદઃ રાજ્યમાં રમતગમત ક્ષેત્રે વધુ એક ઊભરતા સિતારાએ પોતાની હાજરી પ્રસ્થાપિત કરી છે. અમદાવાદનો 12 વર્ષનો જહાન પટેલ ગયા સપ્તાહે રાજકોટમાં યોજાયેલી 48મી -38મી સબ જુનિયર  ગુજરાત સ્ટેટ એક્વાટિક  ચેમ્પિયનશિપ- 2022માં રનર-અપ બન્યો છે.  આ ચેમ્પિયનશિપનું આયોજન સ્વિમિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા અને ગુજરાત સ્ટેટ ઓલિમ્પિક એસોસિયેશન સાથે જોડાયેલા ગુજરાત સ્ટેટ એક્વાટિક એસોસિયેશને કર્યુ હતું.

જહાન પટેલે 100-મીટર બેકસ્ટ્રોક, મેડલી રિલે – જેમાં ટીમે રાજ્ય-કક્ષાનો રેકોર્ડ બનાવ્યો હતો અને તેણે 200-મીટર બેકસ્ટ્રોકમાં એમ ત્રણ ગોલ્ડ મેડલ મેળવ્યા હતા. તેણે 400 મીટર વ્યક્તિગત મેડલી (આઇએમ)માં સિલ્વર અને 800 મીટર ફ્રી સ્ટાઇલમાં બ્રોન્ઝ મેડલ હાંસલ કર્યો છે. તે કેલોરક્સ ઓલિવ ઇન્ટરનેશનલ સ્કૂલ અમદાવાદનો વિદ્યાર્થી છે. રાજ્યમાંથી 350 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, તેવા બે  દિવસના આ સ્પર્ધાત્મક રમત મહોત્સવનું ઉદ્ઘાટન રાજકોટના મેયર પ્રદીપ ડવેએ કર્યુ હતું.

અમદાવાદની રાજપથ કલબના હેડ સ્વિમિંગ કોચ હાર્દિક પટેલ પાસેથી જહાને તાલીમ મેળવી છે. જહાને ભૂતકાળમાં આંતરરાષ્ટ્રીય સ્તરે પણ અપવાદરૂપ પ્રદર્શન દાખવ્યું હતું.