ગુજરાત અને ન્યૂજર્સી વચ્ચે સિસ્ટર સ્ટેટ સંબંધો અંગે એગ્રીમેન્ટ થયા

ગાંધીનગર: મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને ન્યૂજર્સીના ગવર્નર ફિલીપ મૂર્ફી (Philip. D. Murphy)એ ન્યૂજર્સી – ગુજરાત વચ્ચે સિસ્ટર સ્ટેટ સંબંધો અંગેના એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કર્યા હતાં. આ સિસ્ટર સ્ટેટ એગ્રીમેન્ટ હેઠળ ગુજરાત અને ન્યૂજર્સી વચ્ચે આર્થિક વિકાસ, કલીન એનર્જી, હાયર એજ્યુકેશન, ટૂરિઝમ અને સાંસ્કૃતિક આદાન-પ્રદાન સહિત આરોગ્ય તેમજ વેપાર – રોકાણ ક્ષેત્રે પરસ્પર સહયોગની નવી દિશા ખૂલશે.

આ સંદર્ભમાં આ MoU ગુજરાત – ન્યૂજર્સીના લાંબાગાળાથી ચાલતા ઉષ્માપૂર્ણ સંબંધોને વધુ સુદ્રઢ બનાવશે. આના પરિણામે ગુજરાતમાં ન્યૂજર્સી તરફથી વધુ રોકાણો આવશે તેવી અપેક્ષા રૂપાણીએ વ્યકત કરી હતી.

ન્યૂજર્સીના ગવર્નર શ્રીયુત ફિલીપ મૂર્ફીએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને ન્યૂજર્સીની મૂલાકાત લેવાનું આમંત્રણ પાઠવ્યું હતું. તેમણે ગુજરાતી સમૂદાયોના ન્યૂજર્સીના આર્થિક વિકાસમાં યોગદાનની પુષ્ટિ કરી હતી અને તેમના આ પ્રવાસ ડેલીગેશનમાં ગુજરાતી મૂળના વ્યકિતઓ પણ જોડાયા છે. ફિલીપ મૂર્ફીએ  ગુજરાતમાં ફાયનાન્સિયલ સર્વીસીસના આર્થિક ગતિવિધિના અતિ ઝડપે વિકસી રહેલા ક્ષેત્ર સહિત ફાર્માસ્યુટિકલ્સ, આઇ.ટી., રિયલ એસ્ટેટ અને વેપાર ક્ષેત્રે રોકાણો માટે સહભાગીતા અંગે ઊંડો રસ દાખવ્યો હતો. તેમણે ગુજરાતમાં ઇન્ફ્રાસ્ટ્રકચરના સંગીન માળખાને પરિણામે વેપાર – રોકાણોની સરળતાની સરાહના કરી હતી.

વિજય રૂપાણીએ ગુજરાતમાં ઇન્વેસ્ટમેન્ટ ફ્રેન્ડલી પોલીસીઝ, ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસ અને રાજ્ય સરકાર દ્વારા રોકાણકારોને અપાતી રાહતોની ભૂમિકા આપી હતી. તેમણે કોર્પોરેટ ટેક્ષમાં ઘટાડાની તાજેતરમાં કરેલી ઘોષણા વિશે પણ ન્યૂજર્સીના ગવર્નરને માહિતગાર કર્યા હતા.

મુખ્યમંત્રીએ કહ્યું કે, ગુજરાત ઇન્ટરનેશનલ ફાયનાન્સ ટેક સિટી (ગિફટ)ના માધ્યમથી વર્લ્ડ કલાસ ઇન્ફ્રાસ્ટ્રકચર, ટેક્ષ રિલેક્ષેસન અને અન્ય તકો ગુજરાત વિદેશના રોકાણકારોને પૂરી પાડે છે. આ મૂલાકાત બેઠક દરમ્યાન લોજિસ્ટીકસ, ટ્રાન્સપોર્ટેશન અને પોર્ટ લેડ ડેવલપમેન્ટ સહિતના વિષયે પણ ચર્ચાઓ કરવામાં આવી હતી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]