રાજ્યસભા ચૂંટણીઃ ગુજરાતમાં ભાજપને 3; કોંગ્રેસને 1 સીટ મળી

અમદાવાદઃ રાજ્યસભાની ગુજરાતમાંની 4 બેઠક માટે આજે મતદાન થયા બાદ મોડી રાતે પરિણામની જાહેરાત થઈ. અપેક્ષા મુજબ જ, ભાજપે ઊભા રાખેલા ત્રણેય ઉમેદવારોનો વિજય થયો છે.

અભય ભારદ્વાજ, રમીલાબેન બારા અને નરહરી અમિનનો વિજય થયો છે.

કૉંગ્રેસના શક્તિસિંહ ગોહિલ વિજયી થયા છે જ્યારે ભરતસિંહ સોલંકીને હારનો સામનો કરવો પડ્યો છે.

ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીમાં આજે સવારે 9 વાગ્યાથી મતદાન શરૂ થયું હતું અને સાંજે ચાર વાગ્યા સુધી ચાલ્યું હતું.

શક્તિસિંહ ગોહિલ

ગુજરાતમાં આ ચૂંટણી માટે મત આપવા માટે 172 વિધાનસભ્યો પાત્ર ઠર્યા હતા. એમાંના 170 જણે વોટ આપ્યો હતો. જ્યારે ભારતીય ટ્રાઈબલ પાર્ટી (બીટીપી)ના બે વિધાનસભ્ય મતદાન પ્રક્રિયાથી દૂર રહ્યા હતા. એમણે એવી માગણી કરી હતી કે આદિવાસીઓ, માઈગ્રન્ટ મજૂરો તથા દલિત લોકોની સુખાકારી માટે એમને લેખિતમાં ખાતરી આપવામાં આવે.

ભરતસિંહ સોલંકી – પરાજિત

બીટીપીના બંને ધારાસભ્યોના મત ન પડતા ભાજપના ત્રણેય ઉમેદવારોની જીત નક્કી થઈ ગઈ હતી.

ગુજરાત સહિત 8 રાજ્યોમાં રાજ્યસભાની કુલ 19 બેઠકો માટે આજે મતદાન થયું હતું.

મધ્ય પ્રદેશમાં ભાજપે 2 અને કોંગ્રેસે 1 સીટ જીતી છે.

મિઝોરમમાં એકમાત્ર સીટ MNF પાર્ટીને ફાળે ગઈ છે.

મેઘાલયમાં એકમાત્ર સીટ NPP પાર્ટીને મળી છે.

મણીપુરમાં પણ એકમાત્ર સીટ પર ભાજપના ઉમેદવાર વિજયી થયા છે.

ઝારખંડમાં બે સીટ માટે મતદાન થયું હતું, જેમાં ભાજપ અને ઝારખંડ મુક્તિ મોરચાએ 1-1 સીટ જીતી છે.

આંધ્ર પ્રદેશમાં ચારેય બેઠક પર શાસક YSRCP પાર્ટીએ કબજો જમાવ્યો છે.

રાજસ્થાનમાં, 3 સીટમાંથી કોંગ્રેસે બે અને ભાજપે એક સીટ પર જીત મેળવી છે.

આજે આ આઠેય રાજ્યોના વિધાનભવનમાં સવારે મતદાન શરૂ થયું ત્યારે મતદાર વિધાનસભ્યોને કોરોના વાઈરસ બીમારીનો ફેલાવો થયો હોવાને કારણે થર્મલ સ્ક્રીનિંગ કરાયા બાદ જ ભવનમાં પ્રવેશવા દેવામાં આવ્યા હતા.

રાજ્યસભામાં કુલ 245 સીટ હોય છે. એમાંથી 233 સીટ માટેના ઉમેદવારોને રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશોના વિધાનમંડળો ઓપન બેલટ પદ્ધતિ દ્વારા ચૂંટે છે. બાકીના 12 સભ્યોની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે. આ માટે એવી વ્યક્તિઓને પસંદ કરાય છે જેમણે કલા, સાહિત્ય, વિજ્ઞાન, સમાજસેવાના ક્ષેત્રોમાં ઉલ્લેખનીય પ્રદાન કર્યું હોય.