ચીનના બહિષ્કારની માંગ વચ્ચે માઈક્રોમેક્સ ધમાકેદાર કમબેકની તૈયારીમાં

નવી દિલ્હીઃ લદાખ સરહદે ચીની સૈનિકો સાથેની અથડામણમાં ભારતના સૈનિકો શહીદ થયા એના વિરોધમાં ચીની ઉત્પાદનોના બહિષ્કારની માંગ દેશમાં દિવસે દિવસે ઉગ્ર બનતી જાય છે. આ તકનો લાભ ઉઠાવવા ભારતીય સ્માર્ટફોન મેકર કંપની માઈક્રોમેક્સ ધમાકેદાર કમબેક કરવાની તૈયારીમાં છે. એક રિપોર્ટ મુજબ, કંપની ત્રણ અલગ-અલગ રેન્જમાં સ્માર્ટફોન લોન્ચ કરવાની છે. માઈક્રોમેક્સના આ ત્રણ ફોનમાંથી એક બજેટ સ્માર્ટફોન હશે, જે પ્રીમિયમ ફીચર્સ અને મોડર્ન લૂક સાથે આવશે.

જોકે હાલ માઈક્રોમેક્સ તરફથી તો કોઈ જાહેરાત કરવામાં નથી આવી, પરંતુ એક સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા તેના સંકેત આપી દીધા છે. હકીકતમાં એવું છે કે, હાલમાં જ એક યુઝરે ટ્વીટ કરીને માઈક્રોમેક્સને પૂછી લીધું કે કંપની ક્યારે પાછી આવી રહી છે. તેના જવાબમાં માઈક્રોમેક્સે રિપ્લાય આપ્યો, ‘તૈયાર થઈ જાઓ, અમે જલ્દી જ કંઈક મોટું લઈને આવી રહ્યા છીએ.’

‘ગેજેટ 360’ના રિપોર્ટ મુજબ, માઈક્રોમેક્સ આ નવા સ્માર્ટફોનને આગામી મહિનાના અંત સુધીમાં લાવી શકે છે. કંપની આ ફોન 10 હજાર રૂપિયાથી ઓછી કિંમતમાં લોન્ચ કરે તેવી શક્યતા છે. આ ઉપરાંત પ્રીમિયમ ફીચર્સવાળા એક નવા સ્માર્ટફોન પર પણ કંપની કામ કરી રહી છે. કંપનીએ ટ્વીટ કરીને જણાવ્યું કે, આ ફોન બજેટ ફ્રેન્ડલી અને મોડર્ન લૂકવાળો હશે.

મહત્વનું છે કે કંપનીએ પોતાનો છેલ્લો સ્માર્ટફોન ગયા વર્ષે ઓક્ટોબરમાં લોન્ચ કર્યો હતો. માઈક્રોમેક્સ iOne Note સ્માર્ટફોન હતો, જેની કિંમત 8,199 રૂપિયા હતી. માઈક્રોમેક્સ એક સમયે ભારતની નંબર 1 સ્માર્ટફોન કંપની હતી. વર્ષ 2014ના ત્રીજા ક્વોર્ટરમાં તો કંપની દુનિયાની ટોપ 10 સૌથી મોટી સ્માર્ટફોન કંપનીમાં સામેલ હતી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]