ગુજરાતના પોલીસકર્મીઓ માટે રૂ.7,963 લાખના ખર્ચે 797 રહેણાંક મકાન તૈયાર

ગાંધીનગર- ગુજરાતના પોલીસ વિભાગમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ તથા તેના પરિવારજનોને રહેવા માટેની સુયોગ્ય વ્યવસ્થા કરવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે. અમદાવાદ શહેર અને ગાંધીનગર ઉપરાંત ગીરસોમનાથ તથા તાપી મળીને ચાર જિલ્લાઓના પોલીસ પરિવારો માટે સરકારે કુલ રૂ.૭,૯૬૩.૬૯ લાખના ખર્ચે ૭૯૭ રહેણાંક મકાન તૈયાર કર્યા છે તેમ આજે વિધાનસભા ગૃહમાં પુછાયેલા વિવિધ પ્રશ્નોના લેખિત જવાબ આપતા ગૃહ વિભાગ દ્વાર જણાવાયું હતું. 

વિધાનસભા ગૃહમાં આજે અસારવાના ધારાસભ્ય પ્રદીપભાઈ પરમાર, દહેગામ ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણ, મહુવા ધારાસભ્ય મોહનભાઇ ઢોડિયા અને પોરબંદર ધારાસભ્ય બાબુભાઈ બોખીરીયા દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નના પ્રત્યુત્તરમાં પોલીસ પરિવાર પ્રત્યેની રાજ્ય સરકારની લાગણી તથા સંવેદના જોવા મળી હતી.

૩૧ ડીસેમ્બર ૨૦૧૮ ની સ્થિતિએ નાણાકીય વર્ષ ૨૦૧૮૧૯માં અમદાવાદ શહેરમાં, ગાંધીનગર, તાપી અને ગીર સોમનાથ જિલ્લામાં પોલીસ વિભાગ માટે કુલ કેટલા રહેણાંકના મકાનો પૂર્ણ કરવામાં આવ્યા અને તે માટે કેટલો ખર્ચ કરવામાં આવ્યો તે અંગે ગૃહમાં પૂછાયેલા પ્રશ્નોના પ્રત્યુત્તરમાં જણાવાયું છે કે અમદાવાદ શહેરમાં કુલ રૂ.૫૫૨.૧૫ લાખના ખર્ચે ૪૮ મકાનો, ગાંધીનગર જિલ્લામાં કુલ રૂ.૪૨૪૪.૪૫ લાખના ખર્ચે ૪૯૫ મકાનો, તાપી જિલ્લામાં કુલ રૂ.૨૬૨૭.૧૭ લાખના ખર્ચે ૨૦૦ મકાનો જ્યારે ગીર સોમનાથ જિલ્લામાં કુલ રૂ.૫૩૯.૯૨ લાખના ખર્ચે ૫૪ મકાનો પોલીસ કર્મચારીઓ તથા તેમના પરિવારજનોને યોગ્ય સવલત મળી રહે તે માટે તૈયાર કરવામાં આવ્યા છે. આમ ચાર જિલ્લામાં કુલ રૂ.૭૯૬૩.૬૯ લાખના ખર્ચે ૭૯૭ મકાનો તૈયાર કરવામાં આવ્યા છે.

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]