આતંકવાદ વિરુદ્ધની લડાઈમાં સાઉદી અરબ પણ ભારતની સાથે

નવી દિલ્હી- સાઉદી અરબના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન હાલ ભારતની મુલાકાતે છે. દિલ્હીથી આજે વડાપ્રધાન મોદી અને પ્રિન્સ ક્રાઉને સંયૂકત રીતે પત્રકાર પરિષદને સંબોધી હતી. આ દરમિયાન સાઉદી અરબે પણ આતંકવાદ વિરુદ્ધની લડાઈમાં ભારતનો સાથ આપવાનું વચન આપ્યું છે.

મોહમ્મદ બિન સલમાને આતંકવાદના મુદ્દે કહ્યું કે, અમે ભારતની સાથે દરેક સ્તર પર સહયોગ આપવા માટે તૈયાર છીએ. સલમાને વધુમાં કહ્યું કે, અમે ઈન્ટેલિજન્સથી લઈને અન્ય ચીજો માટે પણ  ભારતનો સાથ આપવા તૈયાર છીએ.

આ પહેલા પત્રકાર પરિષદને સંબોધતા વડાપ્રધાન મોદીએ પુલવામા હુમલાનો ઉલ્લેખ કરતા કહ્યું કે, આતંરવાદી હુમલો વિશ્વભરમાં છવાયેલા આતંકી ખતરાની બર્બર નિશાની સમાન છે.

વડાપ્રધાન મોદીએ પાકિસ્તાન પર નિશાન સાધતા કહ્યું કે, અમે એ વાત પર સહમત છીએ કે, આતંકવાદને સમર્થન આપી રહેલા દેશો પર દબાણ બનાવવું જરૂરી છે. આતંકવાદ વિરુદ્ધ મજબૂત કાર્યયોજનાની જરૂર છે, જેથી આતંકી તાકતો યુવાઓને ગુમરાહ  ન કરી શકે. વડાપ્રધાન મોદીએ વધુમાં કહ્યું કે, મને ખુશી છે કે, સાઉદી અરબ અને ભારત આ મામલે એક સરખી વિચાર સરણી ધરાવે છે. અમે એ વાત પર પણ સહમત છીએ કે, કાઉન્ટર ટેરરિઝમ, સમુદ્રી સુરક્ષા અને સાયબર સિક્યોરિટીના ક્ષેત્રોમાં બંન્ને દેશો વચ્ચેના સંબંધો વધુ મજબૂત બનશે. અમારા નિમંત્રણને સ્વીકાર કરવા માટે હું ક્રાઉન પ્રિન્સને ધન્યવાદ આપુ છું.

સાઉદી અરબ ભારતમાં કરશે 44 બિલિયન ડોલરનું રોકાણ

ક્રાઉન પ્રિન્સે કહ્યું કે, આ પહેલા પણ હું ભારતની મુલાકાતે આવ્યો હતો, પરંતુ પ્રતિનિધિમંડળ સાથે આ મારી પ્રથમ મુલાકાત છે. આપણા સંબંધો લોહીમાં પણ શામેલ છે, અને હજારો વર્ષો જૂના પણ છે. છેલ્લા 50 વર્ષોમાં આ સંબંધો વધુ મજબૂત બન્યા છે. વર્ષ 2016થી અત્યાર સુધીમાં અમે ઘણી સફળતા પ્રાપ્ત કરી છે, અમે 44 બિલિયન ડોલરનું રોકાણ કરવા પર સહમતિ દર્શાવી છે. સલમાને કહ્યું કે, અમે ડાઈવર્સિફિકેશન પર કામ કરી રહ્યાં છીએ. તમને જણાવી દઈએ કે, આ પહેલા પાકિસ્તાનની મુલાકાત દરમિયાન ક્રાઉન પ્રિન્સે ત્યાં 20 અબજ ડોલરના રોકાણનું વચન આપ્યું હતું.

સાઉદી નાગરિકોને ઈ-વીઝા, ભારતીયોના હજના કોટામાં વધારો

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, સાઉદી અરબના નાગરિકો માટે ઈ-વીઝાનો વિસ્તાર કરવામાં આવી રહ્યો છે. ભારતીયો માટે હજયાત્રાના કોટામાં વધારો કરવા બદલ અમે આપના આભારી છીએ. 2.7 મિલિયન ભારતીયોને સાઉદી અરબમાં શાંતિપૂર્ણ ભાગીદારી માટે અમે ધન્યવાદ પાઠવ્યે છીએ. ભારતના ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં સાઉદી રોકાણનું સ્વાગત છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]