ગુજરાત પોલિસનું ટ્વિટર શરુ, પહોંચાડી શકાશે સીધી રજૂઆત

અમદાવાદ-ગુજરાત પોલિસને કાને-આંખે પોતાની રજૂઆત ચડાવવી હોય તો નાગરિકો માટે ગુજરાત પોલિસનું સત્તાવાર ટ્વિટર હેન્ડલ પુનઃ સક્રિય થઇ ગયું છે. એટલું જ નહીં, આગામી સપ્તાહ સુધીમાં  તમામ શહેર અને જિલ્લા પોલિસના ટ્વિટર હેન્ડલને સક્રિય કરવાના આદેશ આપવામાં આવ્યાં છે.

કોઇપણ વ્યક્તિ ગુજરાત પોલિસને ટ્વિટ કરીને ફરિયાદ અથવા સજેશન આપી શકશે. નાગરિકો @GUJARATPOLICE  પર ટ્વિટ મોકલી શકશે. ગુજરાત પોલિસે ખાતરી આપી છે કે ટ્વિટનો વળતો જવાબ તાત્કાલિક આપવામાં આવશે.

ઝડપી કોમ્યૂનિકેશનના એક મહત્ત્વના ટૂલરુપે સોશિઅલ મીડિયાના ટ્વિટર પર દેશના ઘણાં મોટા શહેર અને રાજ્યોની પોલિસ ખૂબ સક્રિય જોવા મળે છે તેમાં મુંબઇ, દિલ્હી, ઉત્તરપ્રદેશ,બેગ્લૂરુ, જમ્મુકશ્મીર પોલિસ પણ જોવા મળે છે ત્યાં ગુજરાત પોલિસ માટે સક્રિય ટ્વિટર હેન્ડલની ખૂબ જરુરિયાત વર્તાઇ રહી હતી. ગુજરાતના અમુક આઈજીપી સ્વેચ્છાએ ટ્વિટર પર સક્રિય છે પરંતુ અમુક શહેર કે અમુક જિલ્લા પોલિસને બદલે વ્યાપક પ્લેટફોર્મ મળે તે જરુરી હતું. જેને લઇને ગૃહવિભાગે ગુજરાત પોલિસના દરેક જિલ્લા-શહેર પોલિસને સોશિઅલ મીડિયાની સ્પેશિઅલ ટીમ બનાવવા આદેશ કર્યો હતો.

અમદાવાદ શહેરના પોલિસના ટ્વિટર હેન્ડલ પર લોકો સીધા જોડાઇ શકે તે માટે એક ટીમની પણ ટૂંકસમયમાં નિમણૂક કરવામાં આવશે.

હવે પોલિસ ફરિયાદ ન નોંધે કે કોઇ ગુનાઇત પ્રવૃત્તિની જાણકારી આપવી હોય કે પોલિસને લગતી માહિતી ટ્વિટ કરવાથી ગુજરાત પોલિસને મળી જશે. જેના આધારે કાર્યવાહી કરવામાં આવશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]