ચેર સંરક્ષણમાં ગુજરાત દેશભરમાં બીજા ક્રમે

ગાંધીનગર- ત્સુનામી, દરિયાઇ ખારાશ, લહેરો તેમજ સમુદ્રને આગળ વધતો અટકાવવા માટે ચેર-મેન્ગ્રુવના વૃક્ષો-જંગલો ખૂબ જ અગત્યની ભૂમિકા ભજવે છે. વર્ષ-૨૦૧૭માં સમગ્ર દેશમાં પશ્ચિમ બંગાળ બાદ સૌથી વધુ ૧૧૪૦ ચો.કિ.મી. મેન્ગ્રુવના જંગલો સાથે ગુજરાત બીજો ક્રમ ધરાવે છે. ‘ચેર સંરક્ષણ – વર્તમાન પરિસ્થિતિ અને ભવિષ્ય માટેનો દ્રષ્ટિકોણ’ વિષયક બે દિવસીય કાર્યશાળા પ્રારંભે વનપ્રધાન ગણપતસિંહ વસાવાએ આમ જણાવ્યું હતું.‘આંતરરાષ્ટ્રીય ચેર દિવસ’ વનપ્રધાન વસાવાએ કહ્યું હતું કે, દેશમાં વર્ષ-૨૦૦૪માં દક્ષિણ ભારતમાં આવેલા ત્સુનામી બાદ સમગ્ર દેશને ચેરના વૃક્ષોનું મહત્વ-ભૂમિકા સમજાઇ. દરિયાઇ જીવો મેન્ગ્રુવના વૃક્ષોનો પરિષર તંત્ર-આવાસ તરીકે ઉપયોગ કરે છે. મેન્ગ્રુવના વૃક્ષો સ્થાનિક સ્તરે રોજગારી આપવામાં પણ મદદરૂપ થાય છે. દેશમાં મુખ્ય ત્રણ અખાત પૈકી કચ્છ અને ખંભાતનો અખાત ગુજરાત પાસે છે. આ સિવાય ગુજરાતમાં વન અને જળચર જીવોમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. રાજ્યમાં હાલમાં સિંહોની વસ્તી અંદાજે ૫૫૦ જેટલી છે. ગુજરાતના દરિયા કિનારે દેશ-વિદેશમાંથી શાર્ક માછલી પ્રજનન માટે આવે છે. કથાકાર મોરારી બાપુના પ્રયત્નોથી શાર્ક માછલીને આપણી દીકરીનું બિરૂદ આપીને તેના જતન અંગે માછીમારોમાં જાગૃતિ લાવવાના પ્રયાસોના પરિણામે આપણે અત્યાર સુધીમાં ૭૫૦ જેટલી શાર્કને બચાવી શક્યા છીએ.

આ વર્ષે કચ્છના રૂદ્રમાતા ડેમ ખાતે મુખ્યમંત્રીશ્રીની ખાસ ઉપસ્થિતિમાં રાજ્ય કક્ષાના ૬૯માં વન મહોત્સવનું આયોજન કરાયું છે. જેમાં ‘રક્ષક’ સાંસ્કૃતિક વન ખુલ્લું મુકવામાં આવશે. રાજ્યમાં વર્ષ ૨૦૦૪માં વન બહારના વૃક્ષોની સંખ્યા અંદાજે ૨૩ કરોડ હતી જ્યારે વર્ષ ૨૦૧૭ની સ્થિતિએ વન બહારના વૃક્ષોની સંખ્યા અંદાજે ૩૪ કરોડ જેટલી છે.

ગુજરાત ઇકોલોજી કમિશનના સભ્ય સચિવ ડૉ. એ.કે. સકસેનાએ કહ્યું હતું કે, દક્ષિણ પૂર્વ એશિયાના દેશોમાં ભારત ૩.૩ ટકા મેન્ગ્રુવના જંગલો ધરાવે છે જેમાં ગુજરાત સમગ્ર દેશમાં મેન્ગ્રુવના વિસ્તારમાં બીજા ક્રમે છે. ચેરના વૃક્ષોમાં સામાન્ય વૃક્ષ કરતાં કાર્બન સ્ટોરેજ વેલ્યુ ૧૦ ટકા વધુ હોય છે, એટલે પર્યાવરણ પ્રદૂષણ અને ગ્લોબલ વોર્મિંગને આગળ વધતાં અટકાવવામાં ચેરના વૃક્ષો ખૂબજ મહત્વનું પ્રદાન આપે છે. સેટેલાઇટ ઇમેજ મુજબ ગુજરાતમાં ગત ૧૫ વર્ષમાં ચેરના વૃક્ષોમાં સતત વધારો થયો છે તેમ પણ તેમણે ઉમેર્યું હતું. ચેર સંરક્ષણ વિષય ઉપર કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રાલયના સલાહકાર ડૉ. બી.બી.બર્મન તેમજ IUCN  ઇન્ડિયન નેશનલ પોગ્રામ કો-ઓર્ડિનેટર ડૉ. એન.એમ.ઇશ્વરે પોતાના વિચારો રજૂ કર્યા હતા.ગ્રીન સ્કીલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ, રાજ્યમાં ચેરના જંગલો અને ગુજરાતના વેટલેન્ડ ઉપરની દસ્તાવેજી ફિલ્મોનું લોન્ચિંગ તેમજ ગુજરાત એન્વાયર્મેન્ટ રિપોર્ટ -૨૦૧૭, એન્વાયર્મેન્ટ લોઝ, ‘ચેરની દુનિયામાં એક નજર’ ‘ગુજરાતના મહત્વના જલપ્લાવિત વિસ્તારો અને ‘ચેરના વનો’ પુસ્તકોનું વિમોચન કરવામાં આવ્યું હતું.

ગુજરાત ઇકોલોજી કમિશન, ગીર ફાઉન્ડેશન અને આઇ.યુ.સી.એનના સંયુક્ત ઉપક્રમે આયોજીત  તા.૨૬ અને ૨૭ જુલાઇની બે દિવસીય કાર્યશાળામાં જીઇસીના મેન્ગ્રુવના નિષ્ણાંતો , ‘ગીર’ ફાઉન્ડેશન; તાબુક યુનિવર્સિટી, સાઉદી અરેબિયા; એમ.એસ.એસ.આર.એફ., એમ.એફ.એફ., આઇ.યુ.સી.એન., ગાઈડ, એક્શન ફોર પ્રોટેક્શન ઓફ વાઇલ્ડ એનિમલ્સ, ઓડિશા; નેચર એન્ડ વાઇલ્ડલાઇફ સોસાયટી; નાબાર્ડ; યુ.એન.ડી.પી.; મેન્ગ્રુવ સોસાયટી ઓફ ઇન્ડિયા; કોલકાતા યુનિવર્સિટી; એન.સી.એસ.સી. એમ; કાર્મેલ કોલેજ, ગોવા; મહારાષ્ટ્રના વનવિભાગ અને ગોદરેજ સહિત અનેક મેન્ગ્રુવ સંગઠનો-નિષ્ણાતો ચેર સંરક્ષણ વિષય પર પોતાના વિચારો રજૂ કરશે.

આ પ્રસંગે PCCF (વહીવટ) એન્ડ IT શ્રી આર.એલ.મીના ગીર ફાઉન્ડેશનના નાયબ નિયામક આર.કે.બારડ સહિત કેરળ, તમિલનાડુ, મહારાષ્ટ્ર, ઓડિસા, ગોવા સહિત દેશભરમાંથી મોટી સંખ્યામાં વૈજ્ઞાનિકો, પ્રોફેસરો, ચેર નિષ્ણાંતો અને વિદ્યાર્થીઓ આ બે દિવસીય કાર્યશાળામાં ઉપસ્થિત રહ્યાં હતાં.

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]