ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોના વાયરસના કેસો દિવસેને દિવસે સતત વધતા જાય છે. કેન્દ્ર સરકાર દ્વારા આગામી 17 મે સુધી લોકડાઉન લંબાવવામાં આવ્યું છે. ગુજરાતમાં અમદાવાદ શહેરમાં સ્થિતિ ગંભીર છે. સરકાર દ્વારા રેડ ઝોન, ઓરેન્જ ઝોન અને ગ્રીન ઝોનની જાહેરાત પણ કરી દેવામાં આવી છે. અને આ તમામ ઝોન માટે અલગ-અલગ નિયમો પણ જાહેર કરવામાં આવ્યા છે કે જેને દરેક વ્યક્તિએ અનુસરવા પડશે. પરંતુ હવે લોકોની જવાબદારી એ છે કે, ઓરેન્જ ઝોન રેડ ઝોન ન બને અને ગ્રીન ઝોન ઓરેન્જ ઝોન ન બને. કારણ કે આગામી દિવસોમાં આપણી સ્થિતિ શું હશે તે આપણે જ નક્કી કરવાનું છે. રાજ્યમાં કોરોના વાયરસના કેસોમાં ધરખમ વધારો જોવા મળ્યો છે. આરોગ્ય સચિવ જયંતી રવિએ આજે માહિતી આપતા જણાવ્યું કે, ગુજરાતમાં કોરોનાનાં કુલ 4721 કેસ થયા છે. આજે રાજ્યમાં કોરોના વાયરસના નવા 326 કેસ નોંધાયા છે. ગુજરાતમાં આજે સાંજે 5 વાગ્યા સુધી નવા 326 પોઝિટિવ કેસ નોંધાયા હતા. તેમજ રાજ્યભરમાં વધુ 22 લોકોનાં મોત થયા છે. તો 123 લોકોને સારવાર બાદ ડિસ્ચાર્જ પણ કરાયા છે.
નવા 326 કેસ પર નજર કરીએ તો, અમદાવાદમાં 267, સુરતમાં 26, વડોદરામાં 19, મહીસાગરમાં 6, પંચમહાલમાં 3, બનાસકાંઠા-બોટાદ-ગાંધીનગર-કચ્છ-પાટણમાં 1 કેસ નોંધાયો છે. આમ, રાજ્યમાં કુલ કેસોનો આંકડો 4721 કેસ થયો છે. આરોગ્ય ખાતાના આંકડા મુજબ, ગુજરાત રાજ્યમાં કોરોના બીમારીને કારણે અત્યાર સુધી કુલ 236 જણના મોત થયા છે અને કુલ 736 લોકો સ્વસ્થ થઈને હોસ્પિટલેથી ઘરે ગયા છે.
આરોગ્ય સચિવે જણાવ્યું કે, એક રાહતની વાત એ છે કે, નાના નાના જિલ્લાઓમાં કેસની સંખ્યા ઘટી છે. અત્યાર સુધીમાં કુલ 68774 ટેસ્ટ કર્યાં છે. 4721 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. પુલિંગની પદ્ધતિથી ટેસ્ટ કર્યાં છે. કીટનો પણ મહત્તમ ઉપયોગ કર્યો છે. 4767 જેટલા પુલિંગ કરીને ટેસ્ટ કર્યાં છે. જ્યાં જ્યાં પણ ઓપીડી થાય, ત્યાં સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમો પાળવામાં આવે તેવુ ધ્યાન રાખીએ છીએ. જેથી સંક્રમણ ન ફેલાય.