પ્રજાસત્તાક દિવસની ગુજરાતમાં થઈ ધામધૂમથી ઉજવણી, સીએમ, નાયબ સીએમ સહિત…

ગાંધીનગર- સ્વતંત્ર ભારતના બંધારણના અમલનો અતિગૌરવભર્યો દિવસ એટલે પ્રજાસત્તાક દિવસ. 1950માં બંધારણના અમલ સાથે શરુ થયેલ સ્વતંત્ર ભારતના નવા ઇતિહાસની યાદગીરી આજે 70મી વર્ષગાંઠ દેશભરમાં વિવિધરીતે ઉજવાઈ રહી છે. ગુજરાત રાજ્યનો રાજ્યકક્ષાનો પ્રજાસત્તાક દિન ઉજવણીનો કાર્યક્રમ મુખ્યપ્રધાન વિજય રુપાણીની ઉપસ્થિતિમાં બનાસકાંઠાના પાલનપુરમાં યોજાયો.

રાજયકક્ષાના પ્રજાસત્તાક પર્વની શાનદાર ઉજવણી કરવામાં આવી જ્યાં રાજ્યપાલ ઓ.પી. કોહલી અને મુખ્યમંત્રી સી.એમ રૂપાણી હાજર રહ્યાં હતાં.

મુખયપ્રધાન રુપાણીએ ગણતંત્ર દિવસની ઉજવણી પૂર્વે બનાસકાંઠા જિલ્લા માટે રુપિયા 300 કરોડનું વિશેષ પેકેજ જાહેર કર્યું હતું.સમગ્ર રાજ્યમાં જિલ્લા્સ્તરની ઉજવણીના કાર્યક્રમો પણ યોજાયાં હતાં. નાયબ સીએમ નિતીન પટેલે ગાંધીનગરમાં ધ્વજવંદન કરવા સાથે ત્રિરંગાને સલામી આપી હતી.

ગાંધીનગરના રામકથા મેદાનમાં યોજાયેલા આ કાર્યક્રમમાં નાયબ સીએમ નિતીન પટેલે ખુલ્લી જીપમાં જેને રાષ્ટ્રધ્વજના રંગોમાં ફૂલોથી સજાવવામાં આવી હતી તેમાં સવાર થઈને પરેડનું નિરીક્ષણ કર્યું હતું. અહીં જ વિવિધ ટેબ્લોનું પણ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. તેમણે આજના દિવસના ઉપલક્ષમાં સ્વાતંત્ર્ય સેનાનીઓનું સન્માન પણ કર્યું હતું.

આ ઉપરાંત વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ, ડૉગ શૉ અને હોર્સ શૉનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે પુરસ્કાર વિતરણ સમારોહ યોજાયો હતો. કેન્દ્રીયપ્રધાન પુરુષોત્તમ રુપાલાએ ભાજપના મુખ્યાલય કમલમ ખાતે રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી.

મહત્વનું છે કે 70માં પ્રજાસત્તાક દિનની પૂર્વ સંધ્યાએ સમગ્ર અમદાવાદ શહેર અને હેરિટેજ બિલ્ડિંગો તેમજ તમામ બ્રિજ પર રોશની કરવામાં આવી છે. એલિસબ્રિજ રિવરફ્રન્ટ પર તિરંગાના રંગોની રોશની કરવામાં આવી છે. વાઈબ્રન્ટ ગુજરાત તેમજ રિવરફ્રન્ટ પર ચાલી રહેલા શોપિંગ ફેસ્ટિવલ, ફ્લાવર શોને ધ્યાનમાં રાખીને પણ શહેરને શણગારવામાં આવ્યું છે. પ્રજાસત્તાક દિનની પૂર્વ સંધ્યાએ અમદાવાદીઓ પણ આ રોશની જોવા માટે ઊમટી પડ્યા હતા. રિવરફ્રન્ટ પરનો શોપિંગ ફેસ્ટિવલ 28 જાન્યુઆરીએ પૂરો થાય ત્યાં સુધી આ રોશની રહેશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]