ગાંધીનગરઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB )નું 10માનું પરિણામ જાહેર થયું છે, જે 64.62 ટકા આવ્યું છે. 14 માર્ચથી 28 માર્ચ સુધી આયોજિત પરીક્ષામાં ઉપસ્થિત રહેલા વિદ્યાર્થીઓ સત્તાવાર વેબસાઇટ gseb.org પર તેમનાં પરિણામ જોઈ શકે છે. સૌથી વધુ પરિણામ સુરત જિલ્લાનું 76.45 ટકા અને સૌથી ઓછું પરિણામ ધરાવતો જિલ્લો દાહોદ 40.75 ટકા આવ્યું છે. સૌથી વધુ પરિણામ બનાસકાંઠાના કુંભારિયા કેન્દ્રનું આવ્યું છે, જ્યારે સૌથી ઓછું પરિણામન નર્મદાના ઉતાવળી કેન્દ્રનું 11.94 ટકા આવ્યું છે. સૌથી વધુ 100 પરિણામ ધરાવતી સ્કૂલોની સંખેયા 272 છે, જ્યારે 30 ટકા કરતાં ઓછું પરિણામ ધરાવતી સ્કૂલોની સંખ્યા 1094 છે.
આ ઉપરાંત વિદ્યાર્થીઓ વોટ્સએપ નંબર 63573 00971 પર પણ પોતાનો બેઠક નંબર મોકલીને પરિણામ મેળવી શકે છે. પ્રાપ્ત માહિતી અનુસાર રાજ્યના 9.56 લાખ વિદ્યાર્થીઓ નોંધાયા હતા. રાજ્યમાં ધોરણ 10ની પરીક્ષા 958 કેન્દ્રોમાં લેવામાં આવી હતી.
6111 વિદ્યાર્થીઓને A-1 ગ્રેડ
ગ્રેડ મુજબ આંકડા પર નજર કરીએ તો 6111 વિદ્યાર્થીઓને A1 ગ્રેડ, 44,480 વિદ્યાર્થીઓને A-2 ગ્રેડ, 86,611 વિદ્યાર્થીઓને B-1 ગ્રેડ, 1,27,652 વિદ્યાર્થીઓને B-2 ગ્રેડ, 1,39,248 વિદ્યાર્થીઓને C-1 ગ્રેડ, 67,373 વિદ્યાર્થીઓને C-2 ગ્રેડ, 3412 વિદ્યાર્થીઓને D જ્યારે 6 વિદ્યાર્થીને E-1 ગ્રેડ આવ્યો છે.
રાજ્યમાં ધોરણ 10માની પરીક્ષા આપનાર 9. 56 લાખ વિદ્યાર્થીઓમાં 7. 41 લાખ રેગ્યુલર વિદ્યાર્થીઓ, 11,000 ખાનગી વિદ્યાર્થીઓ, 5000 ખાનગી રિપિટર વિદ્યાર્થીઓ, 1. 65 લાખ રિપિટર વિદ્યાર્થીઓ, 33,000 આઇસોલેટેડ વિદ્યાર્થીઓ અને 4000 દિવ્યાંગ વિદ્યાર્થીઓ નોંધાયા હતા.
ગુજરાત બોર્ડે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓના ગુણપત્રક અને એસઆર નકલ શાળાવાર મોકલવા અંગેની વિગતવાર સૂચનાઓ હવે પછીથી જાહેર કરવામાં આવશે. પરીક્ષા બાદ ગુણ ચકાસણી અને દફતર ચકાસણીની સૂચનાઓ બોર્ડની વેબસાઇટ પર મૂકવામાં આવશે. ગુણ ચકાસણીની અરજી ઓનલાઇન કરવાની રહેશે. પરિણામ બાદ નામ સુધારાની દરખાસ્ત નિયત નમૂનામાં કરવાની રહેશે.