GSEBનું ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું 66 ટકા પરિણામઃ મોરબી પ્રથમ સ્થાને

 ગાંધીનગરઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવેલી ધોરણ-12 સાયન્સ અને ગુજકેટનું પરિણામ મંગળવારે સવારે જાહેર કરી દેવામાં આવ્યું હતું. જોકે ગયા વર્ષની તુલનાએ આ વર્ષે પરિણામમાં સાત ટકાનો ઘટાડો થયો છે. આ વખતે વિજ્ઞાન પ્રવાહનું 66 ટકા પરિણામ જાહેર થયું છે.  બોર્ડે સૌપ્રથમ વાર વિદ્યાર્થીઓ માટે વોટ્સએપ નંબરથી પરિણામ જાણવાની વ્યવસ્થા ગોઠવી છે. બોર્ડની વેબસાઇટ http://gseb.org/ ઉપરાંત વોટ્સએપ નંબર (63573 00971) પર પોતાનો બેઠક નંબર મોકલીને પણ પરિણામ મેળવી શકે છે. આ વખતે 83.22 ટકા સાથે મોરબી પ્રથમ સ્થાને છે, જ્યારે દાહોદ જિલ્લાનું પરિણામ સૌથી ઓછું 22 ટકા આવ્યું છે, જ્યારે 90.41 ટકા સાથે સૌથી વધુ પરિણામ હળવદનું આવ્યું છે.

બોર્ડની 12ની પરીક્ષા 14 માર્ચે શરૂ થઈ હતી અને 28 માર્ચએ પૂરી થઈ હતી. ડેટા મુજબ  કુલ 1.09 લાખ વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષા આપી હતી. તેમાંથી, લગભગ 40,000 વિદ્યાર્થીઓએ ગણિત, ભૌતિકશાસ્ત્ર અને રસાયણશાસ્ત્ર (PCM) સાથે તેમની બોર્ડના વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા આપી હતી, જ્યારે બાકીના 59,000 વિદ્યાર્થીઓએ જીવવિજ્ઞાન, ભૌતિકશાસ્ત્ર અને રસાયણશાસ્ત્ર (PCB) સાથે બોર્ડની વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા આપી હતી.

આ વર્ષે કુલ 27 શાળાઓનું પરિણામ 100 ટકા આવ્યું છે. જ્યારે 10 ટકાથી ઓછું પરિણામ ધરાવતી કુલ 76 શાળાઓ છે. અંગ્રેજી માધ્યમનું પરિણામ 67.18 ટકા જાહેર થયું છે. જ્યારે ગુજરાતી માધ્યમનું પરિણામ 65.32 ટકા જાહેર થયું છે. જ્યારે A ગ્રુપના ઉમેદવારોનું 72.27 ટકા પરિણામ આવ્યું છે. B ગ્રુપના ઉમેદવારોનું 61.71 ટકા પરિણામ આવ્યું છે. આ ઉપરાંત AB ગ્રુપના ઉમેદવારોનું 58.62 ટકા પરિણામ જાહેર થયુ છે. આ વર્ષે ગેરરીતિના કુલ 35 કેસ સામે આવ્યા હતા.

આ વખતે વિદ્યાર્થીઓનું પરિણામ 66.32 ટકા આવ્યું છે જ્યારે વિદ્યાર્થિનીઓનું પરિણામ 64.66 ટકા આવ્યું છે. એટલે આ વખતે વિદ્યાર્થિનીઓ કરતાં વિદ્યાર્થીઓનું પરિણામ સારું આવ્યું છે.

ગ્રેડ મુજબ વિદ્યાર્થીઓની સંખ્યા

A1- 61

A2- 1523

B1- 6188

B2- 11984

C1-19135

C2- 24185

D- 8975

E1- 115

રાજ્યમાં આજે ગુજરાત બોર્ડની સાથે જ ગુજકેટનું પરિણામ પણ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યમાં ત્રીજી એપ્રિલે ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ બાદ એન્જિનિયરિંગ અને ફાર્મસીમાં પ્રવેશ મેળવવા ઇચ્છતા વિદ્યાર્થીઓ ગુજકેટની પરીક્ષા આપી હતી. આ વર્ષે નોંધાયેલા 1,30,788 પૈકી 1,26,605એ પરીક્ષા આપી હતી. જ્યારે 4183 ગેરહાજર રહ્યા હતા. જેમાં A ગ્રુપમાં 488 સ્ટુડન્ડ્સ અને B ગ્રુપમાં 781 સ્ટુડન્ટ્સે 99થી વધુ પર્સેન્ટાઇલ મેળવ્યા છે.