રાજકોટ: સુપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુર જલારામ ખાતે પૂજ્ય જલારામબાપાની આગામી શુક્રવારના રોજ 225મી જન્મજયંતિની ભવ્યતિભવ્ય ઉજવણી કરવા માટે સ્થાનિકોએ વીરપુર ધામને રંગબેરંગી લાઈટો, કમાનો, ધજા, તોરણો બાંધીને શણગારવામાં આવ્યું છે, અને બાપાની જન્મ જયંતિની ઉજવણીની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવાય છે.
“જ્યાં ટુકડો ત્યાં હરી ઢુકડો”ને જીવન મંત્ર બનાવનાર સંત શિરોમણી જલારામ બાપાના મંદિરે આજે 205 વર્ષે પણ અવિરત સદાવ્રત ચાલુ જ છે, તેમજ વિશ્વનું એકમાત્ર મંદિર કે જ્યાં છેલ્લા 25 વર્ષથી એક પણ રૂપિયાનું દાન લેવામાં નથી આવતું, ત્યારે સૌરાષ્ટ્રના સંત પૂજ્ય જલારામબાપાની આગામી 8 નવેમ્બરે શુક્રવારે કારતક સુદ સાતમના રોજ આવતી 225મી જન્મ જયંતિને ઉજવવા માટે અત્યારથી જ વિરપુરમાં જબરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સૌરષ્ટ્રનું સુપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુરમાં દિવાળી નિમિતે યાત્રિકોનો ખુબ મોટો ઘસારો જોવા મળે છે. દિવાળી બાદ તરત જ જલારામ જયંતી આવતી હોવાથી ભાવિકોમાં બાપાના દર્શન કરવામાં બમણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 8 નવેમ્બર શુક્રવારે કારતક સુદ સાતમના દિવસે પુજ્યબાપાની જન્મ જયંતી ઉજવવાની તડામાર તૈયારીઓને અત્યારે સ્વયં સેવકો દ્વારા આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે.
બાપાની જન્મજયંતિને લઈને વીરપુર ખાતે દર્શને આવતા ભાવિકો વ્યવસ્થિત રીતે જલારામ બાપાના દર્શન કરી શકે તે માટે 300થી વધુ સ્વયંમ સેવકો બાપાની જગ્યામાં તેમજ ધર્મશાળા અને પ્રસાદ કેન્દ્રમાં સેવા માટે ખડેપગે રહેશે અને જન્મ જયંતિની ઉજવણીને લઈને સમગ્ર ગ્રામજનો દ્વારા બાપાના જીવન કવચને દર્શાવતી ઝાંખીઓ સાથેની શોભાયાત્રા પણ યોજવામાં આવશે. તેમજ આ શોભાયાત્રામાં ભાવિકોને 225 કિલો જેટલો બુંદી ગાંઠિયાનો પ્રસાદ આપવામાં આવશે, ત્યારે જલારામ જયંતિની યાત્રાધામ વીરપુરમાં તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.