GCAS પોર્ટલને લઈ સરકારનો મહત્વનો નિર્ણય..

રાજ્યમાં સરકારી યુનિવર્સિટીમાં પ્રવેશ પ્રક્રિયા સરળ બનાવવા અને એકસૂત્રતા જળવાય અને નિયત સમયે કોલેજોમાં શૈક્ષણિક કાર્યનો પ્રારંભ થઈ શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા GCAS – ગુજરાત કોમન એડમિશન સર્વિસિસ પોર્ટલનો શરૂ કરવામાં આવ્યુ હતું. પરંતું પોર્ટલ રહેલી અમુક ખામીઓને લઈ ને વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળ્યો. ત્યારે હવે વિદ્યાર્થીઓ તરફથી મળેલી રજૂઆતોને આધારે રાજ્ય સરકાર દ્વારા GCAS પોર્ટલ માટે કેટલાક મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યા છે.

રાજ્ય સરકાર દ્વારા GCAS પોર્ટલને લઈ કેટલાક મહત્વ પૂર્ણ નિર્ણય કરવામાં આવ્યા છે. નિર્ણયો અંગે માહિતી આપતા શિક્ષણ વિભાગના અગ્ર સચિવ મુકેશ કુમારે જણાવ્યું હતું કે, આગામી 4 જુલાઈથી 6 જુલાઈ સુધી સ્નાતક કક્ષાના તેમજ 1લી જુલાઈથી 3 જુલાઈ સુધી અનુસ્નાતક કક્ષાના પ્રોગ્રામ્સની નવી અરજી સ્વીકારવા તથા જે વિદ્યાર્થીઓએ પ્રવેશ માટે અગાઉ અરજી કરી છે, તેમની અરજી સુધારવા ત્રીજા રાઉન્ડ માટે GCAS પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવશે.

વધુમાં એમણે જણાવ્યું કે, GCAS પોર્ટલ પર પ્રથમ રાઉન્ડ અંતર્ગત સ્નાતક કક્ષાના 1.32 લાખ અને અનુસ્નાતક કક્ષાના 31,363 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો છે. તારીખા 27 થી 29 જૂન સુધી પોર્ટલમાં બીજો રાઉન્ડ શરૂ કરવામાં આવ્યો હતો. આ બંને રાઉન્ડમાં કુલ 3.42 લાખ વિદ્યાર્થીઓને એડમિશન ઓફર આપી દેવામાં આવ્યું છે. આ વિદ્યાર્થીઓએ આગામી તા. 1થી 3 જુલાઈ સુધી તેમને ફાળવેલી કોલેજમાં રિપોર્ટિંગ કરવાનું રહેશે. વધુમાં તેમણે ઉમર્યું કે ત્રીજો રાઉન્ડ અંતિમ રાઉન્ડ રહેશે.