ગુજરાત વિધાનસભામાં થોડા દિવસો પહેલાં યોજાયેલા એક સન્માન સમારોહમાં ઠાકોર સમાજના કલાકારોને આમંત્રણ ન આપવામાં આવતાં ભારે વિવાદ ઊભો થયો હતો. આ મુદ્દે રાજકારણ, સોશિયલ મીડિયા અને મીડિયામાં ચર્ચાઓ ગરમાઈ હતી. હવે સરકારે આ વિવાદને શાંત પાડવા માટે મહત્વનું પગલું ભર્યું છે. વિક્રમ ઠાકોર, સાગર પટેલ, મલ્હાર ઠાકર સહિત ઠાકોર સમાજના 200થી વધુ કલાકારો અને સંગીતકારોને આગામી 26-27 માર્ચે વિધાનસભા ગૃહની કાર્યવાહી નિહાળવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે.
શું હતો વિવાદનો મુદ્દો?
ગુજરાત વિધાનસભામાં રાજકીય કાર્યવાહી નજરે નિહાળવા માટે રાજ્યના જાણીતા કલાકારોને ખાસ આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગીતા રબારી, કિંજલ દવે, માયાભાઈ આહીર, રાજભા ગઢવી અને કિર્તીદાન ગઢવી જેવા કલાકારોનો સમાવેશ થયો હતો. જોકે, આ સમારોહમાં ઠાકોર સમાજના કોઈ પણ કલાકારને સ્થાન નહીં મળતાં અભિનેતા વિક્રમ ઠાકોરે સરકાર સામે નારાજગી વ્યક્ત કરી હતી. આ મુદ્દે ઠાકોર સમાજમાંથી પણ તીવ્ર પ્રતિક્રિયાઓ ઉઠી હતી. વિક્રમ ઠાકોરે આ અંગે પોતાનો રોષ ઠાલવતાં જણાવ્યું હતું કે, “મને દુઃખ એ વાતનું થયું કે મારા સમાજના કોઈ કલાકારને આમંત્રણ ન અપાયું. હું આ મામલે ઠાકોર સમાજના મોટા નેતાઓને જણાવીશ કે આ બાબત પર ધ્યાન આપો અને ભવિષ્યમાં આવી ભૂલ ન થાય તેની કાળજી રાખજો. મને સમાજના ઘણા લોકોના ફોન આવ્યા છે. ઠાકોર સમાજ ખૂબ મોટો છે અને ભાજપ હોય કે કોંગ્રેસ, દરેક પક્ષને સમર્થન આપે છે. હું સરકારને માત્ર એટલી વિનંતી કરું છું કે આવા કાર્યક્રમોમાં મને બોલાવો કે ન બોલાવો, પણ અન્ય સમાજના મોટા કલાકારોને આમંત્રણ આપો તે સારી બાબત છે અને હું તેના માટે અભિનંદન આપું છું. પરંતુ ઠાકોર સમાજના કલાકારો પણ છે, જેને તમે ભૂલી ગયા.”
વિક્રમ ઠાકોરની નારાજગી અને સમાજના વિરોધ બાદ સરકારે તાત્કાલિક પગલાં લીધાં છે. હવે 26-27 માર્ચે યોજાનારી વિધાનસભાની કાર્યવાહીમાં ઠાકોર સમાજના કલાકારો સહિત 200થી વધુ કલાકારો અને સંગીતકારોને આમંત્રણ આપવામાં આવ્યું છે. આ પગલાંથી સરકારે વિવાદને શાંત કરવાનો પ્રયાસ કર્યો હોવાનું મનાય છે. આ ઘટના રાજ્યના સાંસ્કૃતિક અને રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બની રહેશે.
