સોશિયલ મીડિયામાં ભડકાઉ પોસ્ટ કરનારા સામે સરકારનું એક્શન

ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના તણાવની પરિસ્થિતિમાં ગુજરાત રાજ્ય સરકારે સરહદી સુરક્ષા અને નાગરિક સલામતી માટે નક્કર પગલાં લીધાં છે. આજે ગાંધીનગર ખાતે સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં એક ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ. આ બેઠકમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, સેનાની ત્રણેય પાંખ (આર્મી, નેવી, એરફોર્સ)ના વરિષ્ઠ અધિકારીઓ, બીએસએફના આઈજી, રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય સહિત અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા.

મુખ્યમંત્રીએ કચ્છ, બનાસકાંઠા અને પાટણ જેવા સરહદી જિલ્લાઓની સ્થિતિની વિગતવાર સમીક્ષા કરી. આ જિલ્લાઓના કલેક્ટર અને એસપી સાથે સીધો સંવાદ થયો, જ્યારે રાજ્યના અન્ય જિલ્લાઓના કલેક્ટર અને એસપી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા જોડાયા. બેઠકમાં સરહદી વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવા, ઈમરજન્સી પ્લાનિંગ અને નાગરિકોની સલામતી માટે ચર્ચા થઈ. મુખ્યમંત્રીએ ખાસ સૂચના આપી કે આપાતકાલીન સ્થિતિમાં સંપર્ક જળવાઈ રહે તે માટે હોટલાઈન, સેટેલાઈટ ફોન જેવા વૈકલ્પિક દૂરસંચાર માધ્યમોની ચકાસણી કરવામાં આવે.

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, “ગુરુવારે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં સોશિયલ મીડિયા પર દેશવિરોધી અને ભડકાઉ પોસ્ટ કરનારા ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે. પોલીસને આવી કોઈ પણ પોસ્ટ પર તાત્કાલિક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે. સોશિયલ મીડિયા પર દેશની એકતા અને સુરક્ષાને ખલેલ પહોંચાડે તેવી ગતિવિધિઓ પર પોલીસની બાજ નજર છે.”

બેઠકમાં મુખ્યમંત્રીએ સરહદી ગામોના ઈવેક્યુએશન પ્લાનને સક્રિય કરવા, નાગરિક સંરક્ષણ માટે સુરક્ષિત સ્થળો (સેફ હાઉસ)ની ઓળખ કરવા અને પાણી, ખોરાક, દવાઓ તેમજ પેટ્રોલ-ડીઝલ જેવા ઈંધણનો પૂરતો સંગ્રહ રાખવા આદેશ આપ્યો. તેમણે ખાસ ભાર મૂક્યો કે નાગરિકોને આવશ્યક વસ્તુઓની કોઈ અછત ન થાય તે માટે જિલ્લા તંત્રે પૂર્વ તૈયારીઓ કરી લેવી. આરોગ્ય વિભાગને હોસ્પિટલોમાં ડોક્ટરો, પેરામેડિકલ સ્ટાફ, બેડ, બ્લડ બેંક અને દવાઓની સુવિધા સજ્જ રાખવા સૂચના અપાઈ. વાહન વ્યવહાર વિભાગને પણ કોઈપણ વિકટ પરિસ્થિતિ માટે પૂરતા માનવબળ સાથે તૈયાર રહેવા નિર્દેશ આપવામાં આવ્યા. મુખ્યમંત્રીએ લોકોમાં ભય કે અફવાઓ ન ફેલાય તે માટે લોકજાગૃતિ અભિયાન શરૂ કરવા સૂચના આપી. તેમણે નાગરિકોને સરકારના અધિકૃત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને સત્તાવાર સમાચારો પર જ વિશ્વાસ રાખવા અપીલ કરી. ખાસ કરીને સરહદી વિસ્તારોમાં કોઈ શંકાસ્પદ વ્યક્તિ, વસ્તુ કે ગતિવિધિ નજરે પડે તો તુરંત તંત્રને જાણ કરવા જણાવ્યું. સંવેદનશીલ વિસ્તારોની ઓળખ, મોબિલાઈઝેશન અને ચેતવણીની વ્યવસ્થા પણ ચકાસવા આદેશ આપ્યા.