ઉત્તરકાશીના પુનર્જન્મ પામેલા શ્રમિકોની મદદે આવી સુરતની સૌર્ય ઊર્જા કંપની

સુરતઃ ઉત્તરાખંડના ઉત્તરકાશીની સિલ્ક્યારા ટનલમાં 17 દિવસ સુધી ફસાઈ ગયેલા તમામ 41 શ્રમિકોને આખરે ગઈ કાલે સલામત રીતે ઉગારવામાં સફળતા મળી છે. શ્રમિકોના સુરક્ષિત બચાવ માટે દેશભરમાં પ્રાર્થનાઓ અને પ્રયાસો કરાયા હતા ત્યારે હવે ઉગરી ગયેલા શ્રમિકોને મદદરૂપ થવા માટે સુરતની એક કંપની આગળ આવી છે. આ કંપનીનું નામ છે ગોલ્ડી સોલર ઈન્ડિયા, જે સૌર્ય ઊર્જા પેનલ્સ બનાવે છે. આ કંપનીએ પ્રત્યેક શ્રમિકના ઘરને સોલર પાવર વડે પ્રકાશિત કરવાનો સંકલ્પ કર્યો છે. આ કંપની સમાજનાં લોકોની ઉન્નતિ માટે સક્રિય કોર્પોરેટ સામાજિક જવાબદારી (CSR)ની દીર્ઘકાલીન પરંપરાને અનુસરવા માટે જાણીતી છે.

ગોલ્ડી સ્ટાર ઈન્ડિયાના સ્થાપક અને મેનેજિંગ ડિરેક્ટર કેપ્ટન ઈશ્વર ધોળકીયાએ કહ્યું છે કે, ‘અમે બચાવી લેવાયેલા પ્રત્યેક કામદારના ઘરને પ્રકાશિત કરવા માગીએ છીએ અને એમના પરિવારજનોને બેહતર જીવનશૈલીની દિશામાં આગળ વધારવાનો અમારો ઉદ્દેશ્ય છે. અમે એમના ઘરોમાં સોલર પેનલ્સ બેસાડીશું. એ દ્વારા કંપની એમને વીજળી પૂરી પાડશે, શિક્ષણની બેહતર તકો પૂરી પાડશે અને પરિવારજનોનું જીવનધોરણ ઉંચે લાવશે. આ પડકારદાયક સમયમાં અમે ઉત્તરકાશીના અસરગ્રસ્ત શ્રમિકોની પડખે ઊભા છીએ. અમે એમને ઉજ્જવળ ભવિષ્ય માટે આશા પ્રદાન કરીએ છીએ.’