નફરત ફેલાવનારા ભાષણો સામે પગલાં લેવા જોઈએઃ સુપ્રીમ કોર્ટ

સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે તમામ પ્રકારના દ્વેષપૂર્ણ ભાષણો સામે પગલાં લેવા જોઈએ. કોર્ટની આ ટિપ્પણી ત્યારે આવી છે જ્યારે તે અપ્રિય ભાષણના મુદ્દા પર લોકો અને જૂથો દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીઓ પર સુનાવણી કરી રહી હતી. દ્વેષયુક્ત ભાષણને કાબૂમાં લેવા માટે એક મિકેનિઝમ સ્થાપિત કરવાની માંગ કરતી ઘણી અરજીઓ ફેબ્રુઆરીમાં સાંભળવા કોર્ટે સંમત થયા છે. જસ્ટિસ સંજીવ ખન્નાની અધ્યક્ષતાવાળી બેન્ચે કહ્યું કે, અમે દેશભરમાં અપ્રિય ભાષણની સમસ્યા પર નજર રાખી શકતા નથી. ભારત જેવા મોટા દેશમાં સમસ્યા ચોક્કસપણે હશે, પરંતુ પ્રશ્ન એ પૂછવો જોઈએ કે શું આપણી પાસે તેનો સામનો કરવા માટે કોઈ વહીવટી તંત્ર છે?

સુનાવણી બેંચમાં જસ્ટિસ એસવીએન ભટ્ટી પણ સામેલ હતા. કેસની સુનાવણી આવતા વર્ષે ફેબ્રુઆરીમાં મુલતવી રાખતા ખંડપીઠે કહ્યું હતું કે, સમાજને ખબર હોવી જોઈએ કે જો કોઈ કાયદાનું ઉલ્લંઘન થશે તો કાર્યવાહી કરવામાં આવશે. અમે દેશવ્યાપી ધોરણે આ પગલાં લઈ શકીએ નહીં, અન્યથા દરરોજ અરજીઓ આવતી રહેશે. 2018 માં તહસીન પૂનાવાલા કેસમાં, સુપ્રીમ કોર્ટે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને નિર્દેશો આપ્યા હતા અને તેમને નફરતના ગુનાઓ અટકાવવા અને ગુનાની નોંધણી માટે જવાબદાર નોડલ અધિકારીની નિમણૂક કરવાનો નિર્દેશ આપ્યો હતો.

એપ્રિલની શરૂઆતમાં દેશના બિનસાંપ્રદાયિક પાત્રને જાળવવાના મહત્વ પર ભાર મૂકતા, કોર્ટે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના પોલીસ વડાઓને કોઈપણ ધર્મના લોકો દ્વારા દ્વેષપૂર્ણ ભાષણો સામે સુઓમોટો કેસ નોંધવા જણાવ્યું હતું. આમ કરવા સૂચના આપી હતી, અને જો સૂચનાઓનું પાલન કરવામાં નહીં આવે તો તિરસ્કારની કાર્યવાહીની ચેતવણી આપી હતી.