આજે પાટનગર ગાંધીનગર મહાનગરપાલિકાની સામાન્ય સભા મળી. જેમાં ગાંધીનગરને બીજી વાર મહિલા મેયર મળ્યા છે. નવા મેયર તરીકે મીરાબેન પટેલની પસંદગી કરવામાં આવી છે. તેઓ કોબા વોર્ડમાંથી જીત્યા છે. ઉલ્લેખનીય છે કે મીરા પટેલ કોબા વોર્ડમાંથી 8635 મતથી જીત્યા હતા. સાથે જ આજે મળનારી આ સભામાં શહેરને નવા મહિલા મેયર મળવાની સાથે ડેપ્યુટી મેયર અને સ્થાયી સમિતિના ચેરમેન પણ મળી જશે.ડે.મેયરની તરીકે વોર્ડ નંબર એકમાંથી આવતા નટવરજી મથુરજી ઠાકોરની સર્વાનુમતે પસંદગી કરવામાં આવી છે.
આમ તો ગાંધીનગરને નવા મહિલા મેયર એપ્રિલ મહિનામાં જ મળી જવાના હતા પરંતુ લોકસભાની ચૂંટણી અને ત્યારબાદ નવી સરકારની શપથવિધિના કારણે નવા મહિલા મેયર મળવામાં બે મહિના જેટલો લાંબો સમય વીતી ગયો છે. ગત 10 જૂનના રોજ સામાન્ય સભામાં નવા મહિલા મેયર નક્કી થવાના હતા પરંતુ કેન્દ્રીય ગૃહ મંત્રી અને ગાંધીનગરના સાંસદ અમિત શાહ વ્યસ્ત હોવાથી નામો નક્કી થઈ શક્યા ન હતા અને તેને કારણે સામાન્ય સભા મુલતવી રાખવામાં આવી હતી.
રાજ્યના પાટનગર ગાંધીનગરના મેયર ડેપ્યુટી મેયરની પસંદગી માટે ભાજપના મહાનુભવો સહિતના સામાન્ય સભા પહેલા એક મીટિંગ યોજાય હતી. જેમાં સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ સેન્સ લેવાની પ્રક્રિયા દરમિયાન સામાન્ય રીતે ભાજપના સભ્યો ચૂપ રહેવાનું પસંદ કરતા હોય છે, પરંતુ આ વખતે નેતાઓએ ખુલીને પોતાના અભિપ્રાય આપવા માટે સભ્યોને પ્રોત્સાહિત કર્યા હતા. જેનાં કારણે ઉત્તર-દક્ષિણનાં બે જુથોની વર્ચસ્વની લડાઈમાં મેયર, ડેપ્યુટી મેયર તેમજ સ્ટેન્ડીંગ ચેરમેનની નિમણુંકનું કોકડું ગૂંચમાં પડયું હતું. આખરે નવા હોદેદારોની નિમણૂંકનો મુદ્દો દિલ્હી દરબાર સુધી પહોંચ્યો હતો.
