ભૂતાન-ભારત વચ્ચેની મિત્રતા વધુ મજબૂત થશેઃ ભૂતાનના PM

અમદાવાદઃ ભૂતાનના વડા પ્રધાન શેરિંગ તોબગે અને રાજા જિગ્મે ખેસર નામગ્યાલ વાંગચુક તેમની ત્રિદિવસીય ગુજરાત પ્રવાસ આવ્યા હતા. રાજ્યમાં તેમની મુલાકાતના કાર્યક્રમના ભાગરૂપે રાજા અને વડા પ્રધાને ગાંધીનગરમાં વૈશ્વિક નાણાકીય અને IT સર્વિસિસ હબ અને ગિફ્ટ સિટીની મુલાકાત લીધી હતી.

ભૂતાનના રાજા અને વડા પ્રધાન સહિત પ્રતિનિધિ મંડળ ગઈ કાલે રાજ્યના એકતાનગરમાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોઈ હતી. તેમણે દેશના પહેલા ગૃહપ્રધાન સરદાર વલ્લભ પટેલની આ પ્રતિમાની ભવ્યતાને જોઈ હતી. તેમણે સરદાર સરોવર ડેમની મુલાકાત લીધી હતી અને તેઓ એકતાનગરની કુદરતી સુંદરતા જોઈને ઘણા પ્રભાવિત થયા હતા. તેમણે તેમની આ મુલાકાત માટે લખ્યું હતું કે મને એવું લાગ્યું હતું કે હું જાણે (સરદાર પટેલની પ્રતિમા જોઈને) તીર્થયાત્રામાં નીકળ્યો હોઉં. આ પ્રવાસ ભૂતાન અને ભારત વચ્ચે મિત્રતાના સંબંધો ગાઢ બનાવશે, એમ તેમણે કહ્યું હતું. વડા પ્રધાન ટોબગેએ ભૂતાનના રાજા તરફથી રાજ્યના CM ભૂપેન્દ્ર પટેલે તેમની મુલાકાતનું સરસ આયોજન કરવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.

ભૂતાનના રાજા અને વડા પ્રધાનના નેતૃત્વમાં ભૂતાનના એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિ મંડળે મુંદ્રા અને ખાવડામાં અદાણી ગ્રુપના મુખ્ય પાયાના માળખાના પ્રોજેક્ટનાં સ્થળોની પણ મુલાકાત લીધી હતી, જ્યાં અધિકારીઓએ તેમને જણાવ્યું હતું કે અહીં અદાણી જૂથ વિશ્વનો સૌથી મોટો રિન્યુએબલ પાર્ક વિકસિત કરી રહ્યો છે. ત્યાર બાદ તેમણે મુંદ્રા પોર્ટ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોનની મુલાકાત પણ લીધી હતી. ત્યારે વડા પ્રધાન ટોબગેએ કહ્યું હતું કે આ પ્રોજેક્ટોના માધ્યમથી બંને દેશો વચ્ચેની મિત્રતા, સહકાર અને ભાગીદારી વધુ મજબૂત કરવાની અનેક તકો હું જોઈ રહ્યો છું.

ભૂતાનના વડા પ્રધાને બંને દેશોની ભાગીદારી થકી માઇન્ડફુલનેસ સિટી વિકસિત કરવા માટે પણ આહવાન કર્યું હતું, જેની યોજના બંને દેશોની સરહદે ગેલેફુ શહેરમાં બનાવવામાં આવી છે. ભૂતાન રવાના થતાં પહેલાં ભૂતાનના રાજા અને વડા પ્રધાને અમદાવાદ શહેરનું હેલિકોપ્ટરમાંથી વિહંગાવલોકન કર્યું હતું. ત્યાર બાદ તેમને CM ભૂપેન્દ્ર પટેલે તેમને એરપોર્ટથી વિદાય આપી હતી.