અમદાવાદઃ દાહોદ નજીક દિલ્હી-મુંબઈ મુખ્ય રેલવે ટ્રેક પર મંગલ મહુડી નજીક માલગાડી ખડી પડી હતી. માલગાડીના ડબ્બા પાટા પરથી નીચે ખડી પડ્યા હતા. આ માલગાડી રાત્રે એક કલાકની આસપાસ ખડી પડી હતી. પ્રાપ્ત માહિતી મુજબ માલગાડીના 12થી વધારે ડબ્બા એકબીજા પર ચઢી ગયા હતા. માલગાડીને નડેલા અકસ્માતને પગલે મુંબઈ-દિલ્હી વચ્ચે રેલવે વ્યવહાર ખોરવાઈ ગયો છે. આ કારણે નવ ટ્રેનને ડાઇવર્ટ કરવામાં આવી છે. રેલવેના ડબ્બા પાટા પરથી ખડી પડતાં વીજળીના કેબલમાં ભારે નુકસાન થયું હતું. આ ઉપરાંત રેલવેના પાટાને પણ ભારે નુકસાન થયું છે. આ ઘટનાને પગલે રેલવેના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા.
પ્રાપ્ત માહિતી પ્રમાણે માલગાડી રતલામ તરફથી આવી રહી હતી. રાત્રે 12:30 વાગ્યે કોઈ કારણસર પાછળથી 17થી 18 ડબ્બા છૂટા પડી ગયા હતા. આ ટ્રેનનાં પૈડાં નીકળીને ટ્રેકની આજુબાજુમાં પડ્યા હતા. આ ઉપરાંત રેલવેના ડબ્બા એકબીજા ઉપર ચઢી ગયા હતા. ડબ્બાઓમાં રહેલો સામાન આસપાસ વેરવિખેર થયો હતો. આ દુર્ઘટનાને પગલે કેબલ તૂટી ગયો હતો. રેલવેનો ટ્રેક પણ ઊખડી ગયો હતો.રેલવે દ્વારા આ અકસ્માતને પગલે રેલવે વ્યવહારને પૂર્વવત્ કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. રેલવેના અધિકારીઓએ જણાવ્યું હતું કે સાંજ સુધીમાં કેબલ જોડવાથી લઈને ટ્રેક સરખો થવાની શક્યતા છે.
આ મામલે DRM મુંબઈ સેન્ટ્રલ, વેસ્ટર્ન રેલવે તરફથી ટ્વીટ કરવામાં આવ્યું છે કે રત્લામ ડિવિઝનમાં ગુડ્સ ટ્રેન પાટા પરથી ખડી પડતાં જતાં અનેક ટ્રેનોને ડાઇવર્ટ કરવામાં આવી છે.