વરસાદનું જોર ક્રમશઃ ઓછું થશેઃ લો પ્રેશર હવે ડિપ્રેશનમાં ફેરવાયું

અમદાવાદઃ રાજ્યમાં હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી વચ્ચે વરસાદે પોરો ખાધો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સીઝનનો 56 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ 17 જુલાઈથી રાજ્યમાં ક્રમશ: વરસાદનું જોર ઓછું થશે. બીજી તરફ અરબી સમુદ્રમાં જે લો પ્રેશર સક્રિય થયું હતું, એ હવે ડિપ્રેશન બની ગયું છે. આ ડિપ્રેશનની અસર ગુજરાત પર  થાય એવી શક્યતા નહીંવત્ છે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. અમદાવાદ શહેરમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે. વલસાડ જિલ્લાના ધરમપુર અને કપરાડા તાલુકામાં સૌથી વધુ પાંચ ઇંચ વરસાદ સહિત રાજ્યના અન્ય 39 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે. ધરમપુર તાલુકામાં 140 મિમી, કપરાડામાં 127 મિમી મળી કુલ બે તાલુકાઓમાં પાંચ ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે.

રાજ્યમાં 27 જળાશયો 100 ટકાથી વધુ, 15 જળાશયો 90 ટકાથી 100 ટકા વચ્ચે ભરાતાં હાઇએલર્ટ પર છે. 13 જળાશયો 80 ટકાથી 90 ટકા ભરાતાં એલર્ટ પર તથા 12 જળાશયો 70 ટકાથી 80 ટકા ભરાતાં સામાન્ય ચેતવણી આપવામાં આવી છે.

રાજ્યનો કુલ સરેરાશ વરસાદ 56 ટકા જેટલો નોંધાયો છે. જેમાં કચ્છ ઝોનમાં સૌથી વધુ 101.79 ટકા, દક્ષિણ ગુજરાત ઝોનમાં 71.88 ટકા, સૌરાષ્ટ્ર ઝોનમાં 56.61 ટકા, પૂર્વ ગુજરાતમાં 43.72 ટકા અને ઉત્તર ગુજરાતમાં 39.91 ટકા કુલ વરસાદ નોંધાયો હોવાના અહેવાલ છે.