અમદાવાદઃ દેશમાં અને રાજ્યમાં કોરોનાની પહેલી અને બીજી લહેર ઘાતક બની હતી. ખાસ કરીને કોરોના રોગચાળાની બીજી લહેર દરમ્યાન શહેરમાં વિનામૂલ્યે ટેસ્ટિંગ કરાવવા માટે ઠેર-ઠેર મોટી સંખ્યામાં તંબુઓ લગાડવામાં આવ્યા હતા. એ સમયે કોરોનાની પહેલી અને બીજી લહેરમાં તંબુઓ આગળ વહેલી સવારથી જ લાંબી કતારો જોવા મળતી હતી.રાજ્યમાં જોકે બીજી લહેર પછી કોરોનાના કેસો ઘટતાં જ મંડપ-તંબુ સૂના પડી ગયા છે. કેટલાક તંબુના ચીંથરાં ઊડી ગયાં છે. ખુરશીઓે ઊંધી વળી ગઈ છે. જ્યારે ક્યાંક તંબુઓમાં ગાયો નિરાંતે આરામ કરતી વાગોળતી જોવા મળે છે. કોરોના ટેસ્ટિંગ તંબુઓમાં ચાની કિટલીઓ શરૂ થઈ ગઈ છે.
તબીબી નિષ્ણાતો, કોરોનાનું રિસર્ચ કરનારા કહે છે વાઇરસની ત્રીજી લહેર આવી શકે છે. ત્યારે તંત્ર સજ્જ હોવાના દાવા કરી રહ્યું છે. ફરી એક વાર છેલ્લા બે દિવસથી શહેરના અંકુર, ગોતા અને વંદેમાતરમ જેવા અનેક વિસ્તારોમાં કોરોના રેપિડ ટેસ્ટિંગ માટેના તંબુઓમાં આરોગ્ય કર્મચારીઓ મોટી સંખ્યામાં જોવા મળી રહ્યા છે.
હાલ કેટલાક તંબુઓમાં આરોગ્ય કર્મચારીઓની હાજરી જણાય છે તો ક્યાંક કાગડા ઊડે છે…
(પ્રજ્ઞેશ વ્યાસ)