સુરત: હીરા ઉદ્યોગમાં ચાલી રહેલી મંદી મોતનું તાંડવ ખેલી રહી છે. સુરતના સરથાણા યોગીચોક વિસ્તારમાં રહેતા એક જ પરિવારના ચાર સભ્યોએ સીમાડા નહેર પાસે દાતાર હોટેલ નજીક જાહેરમાં ઝેરી દવા પી સામૂહીક આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ચારેયને નજીકની ખાનગી હોસ્પિટલમાં લઇ જવાયા હતા. જ્યાં ટુંકી સારવાર બાદ માતા અને ત્યાર બાદ પુત્રી તથા પુત્રનું મોત થયુ હતુ. આર્થિક સંકડામણના કારણે પરિવારે સામુહિક આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની શક્યતા છે.
સરથાણા વિજયનગર સોસાયટીમાં રહેતા અને મુળ ભાવનગરના શિહોરના વતની વિનુભાઈ ખોડાભાઈ મોરડીય (ઉ.55) હીરાના કારખાનામાં કામ કરતા હતા. બુધવારે મોડી રાત્રે વિનુભાઈએ 50 વર્ષની પત્ની શારદાબેન તેમનો પુત્ર ક્રિશ અને પુત્રી સેનીતાએ એક સાથે ઝેરી દવા પી લીધી હતી. 108 એમ્બ્યુલન્સ દ્વારા તમામને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન શારદાબેન, ક્રિશ અને સૈનિતાનું મોત નીપજ્યુ હતું. પોલીસે આર્થિક સંકળામણના કારણે સામૂહિક આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની શક્યતા વ્યક્ત કરી છે.
પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ દવા પી લીધા બાદ વિનુભાઈએ પિતરાઈ ભાઈને ફોન કરીને કહ્યું હતું કે, મારા સંતાનોને સાચવી લેજે. જેથી પિતરાઈ ભાઈ ઘટના સ્થળે દોડી ગયા હતા. અને તાત્કાલિક તેમને હોસ્પિટલ લઈ ગયા હતા.
એસીપી પી.કે. પટેલે જણાવ્યુ કે, મોરડીયા પરિવારના ચાર સભ્યોએ કેનાલ રોડ પર જાહેરમાં ઝેરી દવા ગટગટાવી હતી. વિનુભાઈને ચાર સંતાનો હતા. જેમાંથી બે સંતાનો હાલ ઘરે હતા અને બે સંબંધીના ઘરે હતા. આ સમૂહ આપઘાતમાં કુલ ત્રણના મોત નીપજ્યા છે અને વિનુભાઈ સારવાર હેઠળ છે.
આપઘાત અગાઉ વિડીયો બનાવ્યો : મારી પાસે કોઈ રસ્તો નથી
વિનુભાઈએ ઝેરી દવા ગટગટાવતા અગાઉ એક વિડીયો બનાવ્યો હતો. જેમાં વિનુભાઈ કહે છે કે, મારે હવે આપઘાત કરવા સિવાય કોઈ રસ્તો નથી. હું સારો પિતા ના બની શક્યો, હું સારો પુત્ર ન બની શક્યો, હું સારો પતિ ન બની શક્યો. આ વિડિયો રેકોર્ડ કર્યા બાદ તેણે આપઘાત કરી લીધો હતો.
(અરવિંદ ગોંડલીયા)