બીટકોઈન પ્રકરણમાં નલીન કોટડિયાની મહારાષ્ટ્રના ધૂળેમાંથી ધરપકડ

અમદાવાદ – રૂ. 9.95 કરોડની કિંમતના બીટકોઈન પડાવી લેવાના સુરતમાં નોંધાયેલા કેસમાં ભાગેડૂ જાહેર કરાયેલા ભાજપના ભૂતપૂર્વ વિધાનસભ્ય (અમરેલી) નલીન કોટડિયાની આજે મહારાષ્ટ્રના ધૂળેમાંથી ધરપકડ કરવામાં આવી છે.

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓએ ધૂળેમાંથી કોટડિયાની ધરપકડ કરી છે.

આ કેસ વેપારીને બંધક બનાવી એના કરોડો રૂપિયાની કિંમતના બીટકોઈન્સ પોતાના ખાતામાં ટ્રાન્સફર કરાવી લેવાનો છે.

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને જાણકારી મળી હતી કે નલીન કોટડિયા મહારાષ્ટ્રના ધૂળે શહેર પાસેના કોઈક અંતરિયાળ વિસ્તારમાં સંતાયા છે. આ માહિતીને આધારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઈન્સપેક્ટર કિરણ ચૌધરી અને જે.એમ. ચાવડાને મહારાષ્ટ્ર રવાના કરવામાં આવ્યા હતા. શનિવારની મોડી રાતે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ચોક્કસ સ્થળે દરોડો પાડતા નલીન કોટડિયા ઉંધતા ઝડપાઈ ગયા હતા. કોટડિયાનો કબજો CID ક્રાઈમ બ્રાન્ચને સોંપી દેવામાં આવશે.

અમરેલીના ધારીના ભૂતપૂર્વ વિધાનસભ્ય કોટડિયાનું નામ બીટકોઈન કેસમાં ચમક્યા બાદ એ ફરાર થઈ ગયા હતા.

શૈલેષ ભટ્ટ નામના એક વેપારીનું અપહરણ અને એના 176 બીટકોઈન પડાવી લેવાના કેસના સૂત્રધાર કિરીટ પાલડિયાની પૂછપરછમાં નલીન કોટડિયાનું નામ ચમક્યું હતું. અનેક વાર સમન્સ બજાવવા છતાં ગુજરાત પોલીસને કોટડિયા હાથ લાગ્યા નહોતા.

સીઆઈડીએ કોટડિયા સામેનું પહેલું સમન્સ ગઈ 4 મેએ બજાવ્યું હતું. એમની તરફથી કોઈ પ્રતિસાદ ન મળતાં પોલીસ અધિકારીઓએ વધુ સમન્સ ઈસ્યૂ કર્યા હતા. ગઈ 7 મેએ કોટડિયાએ એક પ્રેસ નિવેદન બહાર પાડીને એવો દાવો કર્યો હતો કે એમને કાવતરાંખોરોએ ખોટી રીતે ફસાવ્યા છે.

એમણે એવો પણ દાવો કર્યો હતો કે શૈલેષ ભટ્ટ જ મુખ્ય ષડયંત્રકાર છે અને એણે બીજા બે ઈન્વેસ્ટરોનું પણ અપહરણ કર્યું છે અને એમની પાસેથી 2,300 બીટકોઈન્સ પડાવી લીધા છે.

સીઆઈડી (ક્રાઈમ)એ અમદાવાદ કોર્ટમાં કેસ રજૂ કરી ગયા જૂન મહિનામાં કોટડિયાને ભાગેડૂ જાહેર કર્યા હતા. કોર્ટે સીઆઈડીની અરજીનો સ્વીકાર કર્યો હતો અને કોટડિયાને ભાગેડૂ જાહેર કર્યા હતા અને 30 દિવસની અંદર કોર્ટમાં હાજર થવાનું એમને ફરમાન કર્યું હતું.

કહેવાય છે કે અમરેલી પોલીસની એક ટીમે ગઈ 11 ફેબ્રુઆરીએ સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટ તથા એમના સહયોગી અને કોટડિયાના ભત્રીજા કિરીટ પાલડિયાનું અપહરણ કર્યું હતું. આ લોકો પાસેથી બીટકોઈન્સ પડાવી લેવાના આશય સાથે અપહરણ કરાયું હતું. ત્યારબાદ હાથ ધરવામાં આવેલી તપાસ પરથી માલુમ પડ્યું હતું કે ષડયંત્રનો સૂત્રધાર પાલડિયા છે. એણે શૈલેષ ભટ્ટ પાસેથી ક્રિપ્ટો-કરન્સી બીટકોઈન્સ પડાવી લેવા પોલીસ અધિકારી જગદિશ પટેલ તથા અન્યો સાથે સોદાબાજી કરી હતી.

ભટ્ટ પાસેથી 10 કરોડની કિંમતના કુલ રૂ. 176 બીટકોઈન્સ પડાવી લેવામાં આવ્યા હતા.

નલીન કોટડિયાને એમાંથી 66 લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા.