રાજકોટઃ મહાનગરપાલિકાની આરોગ્ય શાખાના ફૂડ વિભાગ દ્વારા છેલ્લા છ મહિનામાં આશરે 2773 જગ્યા ઉપર ફૂડ ચેકિંગ કરવામાં આવ્યું હતું અને એ દરમિયાન કુલ 40 પેઢીમાંથી અંદાજે 4500થી વધુ કિલો અખાદ્ય ખોરાકનો જથ્થો નાશ કરવામાં આવ્યો હતો. એ સાથે 40 જણની ધરપકડ કરી હતી. આ સાથે SVM વિભાગના વાહન દ્વારા તેનો નાશ કરવામાં પણ આવ્યો હતો.
મહાનગરપાલિકા દ્વારા વિવિધ પેઢીઓ પાસેથી છેલ્લા છ મહિનામાં ઘણા ખરા નમૂના પણ લેવામાં આવ્યા હતા જેની સંખ્યા અંગે જો વાત કરવામાં આવે તો તે આંકડો 170 એ પહોંચ્યો છે. મળતી માહિતી મુજબ છેલ્લા છ મહિનામાં કુલ 4500 કિલો અખાદ્ય જથ્થો પકડવામાં આવ્યો જેની બજાર કિંમત 14,85,000 થી વધુની છે. હવે આવનારા દિવસોમાં કોઈ નક્કર પગલાં લેવામાં આવે એવી વકી છે.
બાળકોની તપાસ
આ સાથે મહાનગરપાલિકા સંચાલિત શાળાઓમાં બાળકોના આરોગ્યને લઈને ચોંકાવનારી અને ચિંતાજનક આંકડા સામે આવ્યા છે. કોર્પોરેશન સંચાલિત શાળામાં આરોગ્ય વિભાગ દ્વારા કરાયેલી સમીક્ષા અનુસાર 63 જેટલાં બાળકો હાર્ટના દર્દી હોવાની ચોંકાવનારી વિગત સામે આવી છે. જ્યારે 19 જેટલાં માસૂમ બાળકો કેન્સર (Cancer) જેવી ગંભીર બીમારીથી પીડિત છે. આ વિગતો સામે આવતાં હવે આગામી સમયમાં બાળકોની સરકારી યોજના હેઠળ સારવાર કરાશે.