ગુજરાતમાં 47 તાલુકામાં વરસાદ, મગફળીના પાકને ભારે નુકસાન

અમદાવાદ: ગુજરાતમાં હાલ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. એક બાજું ચોમાસાની વિદાય વેળાએ વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે આગામી બે દિવસમાં અનેક રાજ્યોમાં ચોમાસાના વિદાયની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે પાછલા 24 કલાકમાં ગુજરાતનાં કુલ 47 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધુ અમરેલીના બગસરામાં 3.28 ઇંચ વરસાદ વરસ્યો હતો.

હવામાન વિભાગ પાસેથી મળતી માહિતી અનુસાર છેલ્લા 24 કલાકમાં 47 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ અમરેલીના બગસરામાં 3.28 ઇંચ વરસાદ નોંધાયો છે. આ સાથે દ્વારકાના ભાણવડમાં 31.5 ઇંચ, ખંભાળિયા અને અમરેલીના ધારીમાં બે ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. અમરેલીના સાવરકુંડલા અને રાજકોટના જામકંડોરણામાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત ચોમાસાને લઈ આગાહી કરતા હવામાન વિભાગે માહિતી આપી કે, 15 ઓક્ટોબરના રોજ જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથના અમુક સ્થળોએ અને છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં છૂટાછવાયો વરસાદ થવાની આગાહી વ્યક્ત કરી છે.

ઉલ્લેખનીય છે કે ગઈકાલે જામનગર જિલ્લાના લાલપુર પંથકમાં ગાજવીજ સાથે વરસાદમાં વીજળીનો પણ કહેર જોવા મળ્યો હતો. વીજળીએ બે લોકોના જીવ લીધા છે. જ્યારે અન્ય ત્રણ બળદોના મૃત્યુ નીપજ્યાં હતા. ઉપરાંત છ વ્યક્તિઓ પણ વીજળીના કારણે દાઝી ગયા છે. વરસાદને લીધે ખેડૂતોનો મગફળીનો તૈયાર પાક પાણીમાં ડૂબ્યો હતો. પાછોતરા વરસાદને લીધે ભુજ તાલુકાના ચપરેડી, અટલ નગર વિસ્તારમાં મગફળીના પાથરા પલળી ગયા. અંદાજીત 50થી 60 ટકા નુકસાન મગફળીના પાકમાં થયું છે. ખેડૂતોનું કહેવું છે કે, દોઢ માસ અગાઉ પડેલ ભારે વરસાદથી થયેલ નુકસાનનું સર્વે તો કરાયું હતું પરંતુ હજુ સુધી તેનું ચુકવણું નથી થયું. ત્યારે વહેલી તકે સરકાર સહાય ચૂકવે તેવી ખેડૂતોની માગ છે.