અમદાવાદઃ આવતી કાલથી નવરાત્રિ શરૂ થાય છે. રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે કે નવરાત્રિ દરમિયાન ફ્લેટ કે સોસાયટીઓમાં રહેવાસીએ માતાજીની પૂજા-આરતી માટે પોલીસની કોઈ પણ મંજૂરી મેળવવાની આવશ્યકતા રહેશે નહિ. જોકે જાહેર સ્થળોએ તેમ જ રસ્તા પર આરતી કે પૂજા કરવા માટે પોલીસની મંજૂરી લેવી આવશ્યક છે.
ગૃહ રાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ સ્પષ્ટતા કરી હતી કે નવરાત્રિ દરમ્યાન મંદિરો બંધ રાખવા માટે સૂચના આપવામાં નથી આવી. આ પહેલાં સરકારે પ્રસાદ વિતરણ પર પ્રતિબંધ મૂક્યો હતો. જોકે તેમણે કહ્યું હતું કે બંધ પેકેટમાં પ્રસાદ આપી શકાશે. વળી, હવે સરકારે પૂજા અને આરતી માટે છૂટ આપી છે.
ગરબા રમવાની મંજૂરી નહીં
કોરોના રોગચાળાને ધ્યાનમાં રાખતાં સરકારે નવરાત્રિમાં કોઈ પણ પ્રકારના ગરબા રમવાની મંજૂરી નથી આપી અન પૂજા-આરતી દરમ્યાન પણ 200 લોકોથી વધુ હાજર રહી નહીં શકે. આ ઉપરાંત સરકારે જાહેર કરેલા નિર્દેશો મુજબ માસ્ક પહેરવો, સામાજિક અંતરનું રાખવું, સેનેટાઇઝરનો ઉપયોગ કરવો અને થર્મલ સ્કિનિંગ કરવા જેવા નિયમોનું પાલન કરવાનું રહેશે.
પોલીસ સ્ટેશનો પાસે લાંબી લાઇનો
સરકારે જાહેર કરેલી SOPમે લીધે પોલીસ સ્ટેશનોમાં વિવિધ સોસાઇટી અને ફ્લેટોના પ્રતિનિધિઓએ મંજૂરી લેવા માટે લાંબી લાઇનો લગાવી હતી. વળી, સરકારના આ નિર્ણય સામે લોકોમાં અસંતોષ પણ હતો. જોથી સરકારે નિયમમાં ફેરબદલ કરીને સોસાયટીઓ અને ફ્લેટોને પૂજા-આરતી કરવાની છૂટ આપી હતી. જોકે આ છૂટ પૂજા-આરતી કરવા માટે જ છે, ગરબા કરવા માટે નહીં.