નડિયાદઃ રાજ્યના ખેડા જિલ્લાના નડિયાદ પાસે એક SUV અને કાર વચ્ચે અકસ્માત સર્જાતાં એક જ પરિવારના પાંચ સભ્યોનાં મોત થયાં હતાં, એમ પોલીસે કહ્યું હતું. ગઈ કાલે રાત્રે નેશનલ હાઇવે નંબર-48 પર બનેલી દુર્ઘટનામાં પરિવારના અન્ય ચાર સભ્યો અને SUVનો ડ્રાઇવર ઇજાગ્રસ્ત થયો હતો. અમદાવાદના નવ પરિવારના સભ્યો પોતાના સગાંસંબંધીઓને મળવા આણંદથી પરત ફરી રહ્યા હતા, ત્યારે પિજ ગામની પાસે આવેલા હાઇવે નજીક તેજ ઝડપથી આવી રહેલી SUV તેમની કારથી અથડાઈ ગઈ હતી, એમ પોલીસ અધિકારી એફએ પારગીએ કહ્યું હતું.
આ અકસ્માતમાં બે બાળકો સહિત કારમાં રહેલા પાંચ જણનાં ઘટનાસ્થળે જ મોત થયાં હતાં, જ્યારે અન્ય ચાર જણ ઇજાગ્રસ્ત થયા હતા, જેમને સિવિલ હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે, એમ તેમણે કહ્યું હતું. SUVચાલક પ્રમુખ પટેલ કે જેઓ SUVમાં એકલા જ હતા, તેઓ ઘાયલ થયા હતા અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
આ દુર્ઘટનામાં સીમા શેખ (24), તેની પુત્રી તનાઝ (4), યાકુબ શેખ (52) અને કૌસર બાનુ (50), અને ઇનાયા શેખ (9)નાં મોત થયાં છે.
SUVચાલક પ્રમુખ પટેલ સામે ભારતીય દંડ સંહિતાની કલમ 279 (તેજ ડ્રાઇવિંગ) અને 304 (A) (બેદરકારી દાખવવા બદલ મોત) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. તેમને હોસ્પિટલમાંથી રજા અપાયા પછી તેમની ધરપકડ કરવામાં આવશે.