અમદાવાદઃ હવામાન વિભાગની આગાહી મુજબ આગામી પાંચ દિવસ રાજ્યમાં વરસાદી માહોલની શક્યતા છે. આગામી પાંચ દિવસમાં સૌરાષ્ટ્રમાં વરસાદ પડવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાતમાં આગામી 48 કલાકમાં વરસાદ રહે તેવી પણ આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા છે. દેશમાં ચોમાસું આગળ વધે તેવી સાનુકૂળ પરિસ્થિતિ છે. હવામાન વિભાગે જણાવ્યું કે કેરળમાં વરસાદના આગમન પછી ચોમાસું આગળ વધી રહ્યું છે.
છેલ્લા 24 કલાકમાં 22 જિલ્લાના 82 તાલુકામાં વરસાદ પડ્યો હતો. સૌથી વધુ ખેડામાં 3.5 ઈંચ વરસાદ વરસ્યો હતો. તારાપુર, સોજિત્રા, અંકલાવમાં પણ 1.5 ઇંચ વરસાદ વરસ્યો હતો. અમદાવાદમાં પણ ગઈ કાલે રાત્રે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. સમગ્ર શહેરમાં વીજળીના ભારે કડાકા-ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો. શહેરમાં સરેરાશ એક ઇંચ જેવો વરસાદ પડ્યો હતો.
હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યનાં કેટલાંક શહેરોમાં ગઈ કાલે મોડી સાંજથી વરસાદી માહોલ જામ્યો હતો અને વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો. વડોદરામાં પણ મોડી રાત્રે વરસાદી માહલો છવાયો હતો.
આ તરફ આણંદ અને ખેડામાં પણ ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો, તો નડીયાદમાં પણ ભારે વરસાદથી ગરનાળામાં પાણી ભરાતાં એમ્બ્યુલન્સ ફસાઈ હતી. આ તરફ વિરમગામ પંથકમાં પણ વીજળીના ગાજવીજ સાથે કરાંનો વરસાદ વરસ્યો.